Wednesday, 05/02/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના વિકાસ કામોની સ્થળ તપાસ પ્રમાણે તપાસ થશે કે તાલુકાના ટેબલ ઉપર તૈયાર થયેલ રિપોર્ટ મુજબ?:ગ્રામજનોનો સળગતો સવાલ!*

December 5, 2024
        6339
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના વિકાસ કામોની સ્થળ તપાસ પ્રમાણે તપાસ થશે કે તાલુકાના ટેબલ ઉપર તૈયાર થયેલ રિપોર્ટ મુજબ?:ગ્રામજનોનો સળગતો સવાલ!*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતના વિકાસ કામોની સ્થળ તપાસ પ્રમાણે તપાસ થશે કે તાલુકાના ટેબલ ઉપર તૈયાર થયેલ રિપોર્ટ મુજબ?:ગ્રામજનોનો સળગતો સવાલ!*

*આફવા ગ્રામ પંચાયતના વિકાસ કામોની તાલુકા કક્ષાની સ્થળ તપાસ અને તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં વિસંગતતા કેમ?*

*આફવા ગ્રામ પંચાયતના વિવાદિત વિકાસ કામોની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ*

‌ સુખસર,તા.5

ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં 15 માં નાણા પંચની ગ્રાન્ટ ના નાણાં દ્વારા સરપંચ દ્વારા વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવા બાબતે છેલ્લા આઠ માસથી આફવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા તાલુકા કક્ષાથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી.તે સંદર્ભે ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા ગ્રામજનોની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવતા સ્થળ ઉપર કામો જોવા મળ્યા ન હતા.જ્યારે તાલુકામાંથી રિપોર્ટ તૈયાર થઈ આવતા મોટા ભાગની કામગીરી કરવામાં આવેલ હોવાનો રિપોર્ટ આપતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં 1 થી 10 વોર્ડ આવેલા છે.જેમાં વર્ષ 2022 થી હાલ સુધીમાં 15 માં નાણા પંચની ગ્રાન્ટ દ્વારા વિવિધ વિકાસ કામો થયેલ હોવાની સરકારી ચોપડે નોંધ બોલે છે.જેમાં સી.સી રોડ,ગટર, નાળા તેમજ શૌચાલયની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાય છે.જ્યારે આફવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હરીશભાઈ નરવરસિંહભાઈ લબાનાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ 15 માં નાણાપંચના નાણા દ્વારા માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી કામગીરી કર્યા બાદ મોટાભાગના વિકાસ કામો કાગળ ઉપર બતાવી નાણાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવી છેલ્લા આઠ માસમાં ત્રણેક વખત તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ તારીખ 29-9-2024 ના રોજ તાલુકા કક્ષાએથી વિસ્તરણ અધિકારી ડામોર સ્થળ તપાસ કરવા માટે આવ્યા હતા.અને આફવા ગ્રામજનોની હાજરીમાં તમામ વોર્ડમાં સ્થળ તપાસ કરતાં મોટા ભાગની કામગીરી સ્થળ ઉપર જોવા મળી ન હતી.તેમજ 26 જાન્યુઆરી 2022 રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટનો ચેક ગ્રામ પંચાયતને આપવામાં આવેલ હતો જેનો પણ આજ દિન સુધી પંચાયતમાં કોઈ હિસાબ નહીં હોવાનું જણાયું હતું. તેમજ મોટા ભાગની કામગીરી અગાઉના સરપંચ દ્વારા કરવામાં આવેલ હોય તે કામગીરી બતાવી હાલના સરપંચ દ્વારા નાણા ઉપાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.અને જે-તે વોર્ડના સ્થાનિક નાગરિકો વિસ્તરણ અધિકારીની હાજરીમાં સરપંચની કામગીરી ઉપર રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.

તેમજ વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ ઉપર તપાસ કરી પંચોની રૂબરૂમાં આફવા ગ્રામ પંચાયતની કામગીરીનો જવાબ પણ તેમના હાથે લખી નકલ અરજદારને આપવામાં આવી હતી.અને સ્થળ ઉપર મોટા ભાગની કામગીરી નહીં હોવાની પ્રત્યક્ષ જાણકારી મેળવી રિપોર્ટ તૈયાર કરવાનું જણાવી ગયેલા હતા.જેનો રિપોર્ટ આઠ દિવસમાં અરજદારને આપવા જણાવવામાં આવ્યું હતું.પરંતુ સવા બે માસ બાદ રિપોર્ટ તૈયાર કરી મોકલતા વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ ઉપર કરવામાં આવેલ તપાસ અને સત્યતા ને બાજુ ઉપર રાખી રિપોર્ટ તૈયાર કરી અરજદારને મોકલી આપવામાં આવ્યો હોવાનો અરજદાર આક્ષેપ કરી રહ્યા છે.અને તાલુકા કક્ષાએથી ગ્રામજનોની હાજરીમાં વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ તપાસ દરમ્યાન કામગીરી જોવાઇ નહીં જ્યારે તાલુકા કાર્યાલયમાં બેઠા તૈયાર થયેલ રિપોર્ટમાં કામગીરી કઈ રીતે કરી દેવામાં આવી?તેવી ગ્રામજનોમાં ચર્ચા ઊઠવા પામેલ છે.આફવા ગ્રામ પંચાયતમાં આચરવામાં આવેલ કથિત ગેરરીતિ બાબતે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અથવા વિજિલન્સ ટીમ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

*સ્થળ તપાસ પ્રમાણે રિપોર્ટ તૈયાર કરાયો નથી*

અમોએ આફવા ગ્રામ પંચાયતમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે રજૂઆત કરેલ હતી.જેની ફતેપુરા તાલુકા વિસ્તરણ અધિકારી ડામોર દ્વારા 20 સપ્ટેમ્બર- 2024 ના રોજ સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં મોટાભાગની કામગીરી સ્થળ ઉપર જોવા મળી ન હતી.અને જેઓ એ ગ્રામજનોની હાજરીમાં તેમના હાથે જવાબ લખી અમોને નકલ આપી હતી.જ્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અમોને ટપાલ દ્વારા મળેલ રિપોર્ટમાં સ્થળ તપાસ હકીકતથી વિપરીત છે.ત્યારે આ તપાસનો જવાબ તાલુકા કચેરીમાં જતા સ્થળ તપાસની સત્યતા છુપાવી ગેરરીતિ આચરનારા ઓનો બચાવ થાય તેમ રિપોર્ટ આપવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.ના છૂટકે મને નામદાર હાઇકોર્ટનું શરણું લેવાનું થશે તો તે પણ કરીશ.

*(હરીશભાઇ લબાના,આફવા ગ્રામ પંચાયત,ડેપ્યુટી સરપંચ)*

*આફવા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપવામાં આવેલ પાંચ લાખનો ચેક પણ ગાયબ?*

આફવા ગ્રામ પંચાયતને 26 જાન્યુઆરી-2022 રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટનો ચેક આપવામાં આવેલ હતો.જે પરત તાલુકા કક્ષાએ લેવામાં આવેલ હતો.અને આ ગ્રાન્ટથી વળવાઈ ફળિયા શાળાના કમ્પાઉન્ડ વોલ તથા આફવા ગામે વળવાઈ ફળિયામાં પ્રાથમિક શાળાના ગેટની દરખાસ્ત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ હતી.પરંતુ ગ્રામ પંચાયતને કોઈ વહીવટી મળેલ નથી કે ગ્રાન્ટ જમા થયેલ નથી.તેવું આફવા સરપંચ દ્વારા જાણવા મળ્યુ છે.

*(યોગેશ બારીયા,તાલુકા વિકાસ અધિકારી,ફતેપુરા)*

*ગ્રામ પંચાયત દ્વારા નિશાળ ફળિયામાં કોઈ નાળુ બનાવ્યું નથી

અમારા આફવા ગ્રામ પંચાયત દ્વારા આફવા ગામમાં કોઈ જગ્યાએ નાળુ બનાવેલ નથી.તેમજ વળવાઈ ફળિયામાં પ્રાથમિક શાળા તરફ જતા ડામર રસ્તા ઉપર જે નાળુ છે તે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.છતાં ગ્રામ પંચાયત દ્વારા આ નાળુ બનાવવામાં આવ્યુ હોવાનું તેમજ મુવાડી ફળિયામાં સરપંચના ઘરના મકાન પાસે સામૂહિક શૌચાલયનું કામ કરવામાં આવેલ હોવાનું સરપંચ જણાવી રહ્યા છે.પરંતુ ત્યાં શૌચાલયનું નામ નિશાન નથી અને આ તદ્દન ખોટી હકીકત છે.

*(રમેશભાઈ ચુનિયાભાઈ વળવાઈ, આફવા ગ્રામ પંચાયત,સભ્ય)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!