રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલ અરજીઓનો ત્વરિત નિરાકરણ લાવવા કલેકટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચના અપાઈ
દાહોદ તા . 29
સામાન્ય લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના અરજદારો દ્વારા વિવિધ વિષયોને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર. સી. સી. રોડ, ગૌચરના દબાણો દૂર કરવા બાબત, જમીન સંપાદન, જમીનના હદ-નિશાન કરવા બાબત, ભૂગર્ભ ગટર કનેક્શન ઉપરાંત માપણી નકશા જેવા પ્રશ્નોની અરજદાર નાગરિકો દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરશ્રી યોગેશ નિરગુડે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
કલેકટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણ ઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એમ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ, પ્રાંત અધિકારી શ્રી એ.કે.ભાટીયા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ સહિત અન્ય સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦