રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે
દાહોદ તા. ૨૭
આગામી યોજાનારી લોકસભા સામન્ય ચૂંટણીના જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે એ અને જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા
ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે જિલ્લા ચુંટણી અધિકારી શ્રીએ સૂચના આપી હતી.
અહીં જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે દ્વારા મતદારો માટે ઉભી કરવામાં આવનારી સુવિધાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, પોલિંગ સ્ટાફ માટે ઉતારા, રાતવાસો, સહિતની સુવિધા અંગેની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી. અહીં મતદાન કેન્દ્રોમાં સફાઇ બાબતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી એ સૂચના આપી હતી.મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળે એ જરૂરી છે, એ બાબતની તેમણે શિક્ષકોને સમજ આપી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા એ જણાવ્યુંકે પોલીસકર્મીઓ સાથે સઘન પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીંગ સહિત રાઉન્ડ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ મતદાન મથકોએ ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વિડિયોગ્રાફી સહિતની ચુસ્ત પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોઇ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે અધિકારીઓ દ્વારા ગામોની મુલાકાત લેવામાં આવી રહી છે. ફૂટ માર્ચ, રૂટ માર્ચ, નાઇટ પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાને હાથમાં લેનાર વિરૂદ્ધ પાસા સહિતના કડક કાયદાકીય પગલા લેવાશે. અગાઉની ચૂંટણીઓમાં પણ તંત્ર દ્વારા આવા કડક પગલા ભરવામાં આવ્યા છે.
આ મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી હેતલબેન ,દાહોદ પ્રાંત અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. પી.ભંડારી , દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા,પોલીસ ઇન્સ્પેકટર શ્રી દીગવીજય પઢિયાર, સહિત નાયબ મામલતદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦