![સંતરામપુર બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસે બે બાઈક અને એક તુફાન ગાડીને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે મોત](https://dahodlive.com/wp-content/uploads/2024/03/IMG-20240319-WA0037-770x377.jpg)
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,
એસ.ટી. બસે બે બાઈક અને એક તુફાન ગાડીને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે મોત
સંતરામપુર તા. ૧૮
રાત્રિના સમયે સંતરામપુર શહેર ખાતેથી પસાર થતા બાયપાસ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલ એસટી.બસ એ બાઈક સવાર દંપતિ તેમજ અન્ય બાઇક સવાર પિતા પુત્રી અને એક તુફાન ગાડીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલક પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઇક પર સવાર પિતા પુત્રીને ઇજાઓ પહોંચી હતી.
સંતરામપુર શહેરના રહેવાસી મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ પીટોલ મોરબી એસટી.બસ એ જોરદાર અકસ્માત સર્જતાં બંને પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મોટર સાયકલ પર સવાર બાબુભાઈ ડામોર તેમજ તેમની એક નાની દીકરી પણ હતા. જેમને પણ આ બસે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે એક તુફાન ગાડીને પણ બસે ટક્કર મારી હતી. તુફાન ગાડીમાં કોઈ સવાર નોહતું અને તે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી. આમ રાત્રે સંતરામપુર બાયપાસ ઉપર ગમખ્વાર ત્રીપલ અકસ્માતની ઘટના બની છે જેમાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજા હતા.
સમગ્ર બનાવ બનતા લોક ટોળા ઘટના સ્થળે ઉંટ્યા હતા અને મૃતક મોહનભાઈ પ્રજાપતિના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર દ્વારા ઘટના સ્થળે આવી અને સંતરામપુર પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે બંને પતિ પત્નીના મૃતદેહને પોલીસે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાઇક ઉપર સવાર પિતા પુત્રીને ઇજાઓ પહોંચતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સંતરામપુર પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.