રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુરમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો:ટોકરવા ગામે પતિની બંદૂકમાંથી વછૂટેલી ગોળીએ પત્નીનો જીવ લીધો
લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે પતિની લાયસન્સવાળી બંદૂક ઉચકવા જતા ફાયર થયું:મહિલાને કમરના ભાગે ગોળી વાગતા વડોદરા ખાતે ખસેડાઈ હતી…
ધાનપુર તા.13
હોળી બાદ લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. ઢોલ નગારા સાથે ડીજેના તાલે લોકો લગ્નની મજા માણતા હોય છે. ત્યારેમોટાભાગે લોકો લગ્નમાં ફિલ્મોની દુનિયાની જેમ રીયલ લાઈફમાં મજા માણવા જતા હોય છે. જેમાં ફિલ્મોમાં લગ્નમાં લોકો બંદૂકો લઈને રાસ કરતા નાચતા જોવા મળતા હોય છે. ત્યારે આવું જ કંઈક ધાનપુર તાલુકાના ટોકરવા ગામ ખાતે યોજાયેલા લગ્નપ્રસંગમાં શનિવારે મોડીરાત્રે એક વાગે બન્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ધાનપુર તાલુકાના ટોકરવા ગામ ખાતે ૫૫ વર્ષીય ચંપાબેન એમસીંગ બારીયા નામની મહિલા લગ્નપ્રસંગમાં ગયા હતા. લગ્નમાં મહિલાએ પોતાના પતિની લાયસન્સવાળી એક બંદુક ઉંચકી હતી. બંદૂક ઉંચકતા બંદુકની નાળ દબાઈ જવાથી ગોળી કમરના ભાગમાં વાગી ગઈ હતી. જેથી પરિજનો દ્વારા મહિલાને સારવાર માટેતાત્કાલિક દેવગઢ બારિયા ખાતે આવેલી બુટાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાની તબિયત વધારે ખરાબ થતા મહિલાને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવારે મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી ચંપાબેનના મૃતદેહને કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યો છે. ધાનપુર પોલીસમથકના પોસઇ બરંડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે મોડીરાત્રે એક વાગે બની હતી. ટોકરવા ગામે રહેતા ખેમસીંગ મગન બારીયા પાસે પાક રક્ષણ માટે ૧૨ બોરની લાયસન્સવાળી બંદુક છે. આ લઇ તેઓ લગ્ન સમારંભમાં ગયા હતા અને તેમાંથી વછૂટેલી ગોળી તેમની પત્ની ચંપાબેન બારીયા (૫૫)ને વાગતા તેમનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ગોળીબાર કેવી રીતે થયો તેની કોઇ વિગત પોલીસને મળી નથી. બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો ફરિયાદ આપશે તો ગુનો નોંધવાની તજવીજ કરાશે.