દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ ના ઢાડીયા પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓના ખાતમુહૂર્ત સાથે લાયબ્રેરીની જાહેરાત
ઝાલોદ ના ઢાડીયા પ્રાથમિક શાળામાં નવા ઓરડાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
દાહોદ તા. ૨૭

આ પ્રસંગે રૂ. ૫૨ લાખના ખર્ચે ૪ નવા ઓરડાઓના બાંધકામનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સ્તરે વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૨૦૨૫ ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે, જેના માટે અંદાજિત રૂ. ૨૯૦ કરોડનો ખર્ચ નિર્ધારિત થયો છે. ઝાલોદ તાલુકામાં કુલ ૬૪૪ ઓરડાઓ મંજૂર થયા છે, જેમાંથી ૧૮૫ ઓરડાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ૨૪૪ ઓરડાઓનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત ૧૧ ઓરડાઓના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે તથા ૨૧૧ ઓરડાઓ માટેની ટેન્ડર પ્રક્રિયા SSA, ગાંધીનગર કચેરી ખાતે ચાલુ હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત ઢાડીયા પ્રાથમિક શાળામાં રૂ. ૨૫ લાખના ખર્ચે નવીન લાયબ્રેરી બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. લાયબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓને વાંચન સંસ્કૃતિ વિકસાવવામાં અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવામાં વધુ સહાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં દાહોદ SSAના જિલ્લા એન્જિનિયર, ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ ઢાડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઢાડીયા ગામના આગેવાનો તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
