નીલ ડોડીયાર,જીગ્નેશ બારીયા@દાહોદ
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે એક મકાનમાં એક અસ્થિર મગજની મહિલા ઘુસી જતાં ભારે હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા. જાણવા મળ્યા અનુસાર, આ અસ્થિર મગજની મહિલા પોતાની સાથે આવેલ યુવકનું નામ રટણ કરતી રહેતી હતી.અને યુવક મને છોડી જતો રહ્યો હોવાની પણ બુમો પાડતી હતી. આ સમગ્ર મામલે ૧૦૮ અભયમ ને જાણ કરતાં પોલીસે આ અજાણી મહિલાને લઈ પોલીસ મથકે પહોંચી હતી અને ત્યા જરૂરી તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા આ સ્થળે કેવી રીતે આવી પહોંચી? તેની સાથે કોઈ બીજુ વ્યક્તિ પણ હશે કે કેમ? જેવા અનેક સવાલો વચ્ચે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આજરોજ વહેલી સવારે શહેરના દેસાઈવાડા ખાતે રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતી એક મહિલાના ઘરે એક અજાણી અસ્થિર મગજની મહિલા ઘુસી ગઈ હતી અને ઘણા કલાકો સુધી આ મહિલા ઘરમાં રહી પલંગ પર સુતી રહી હતી. આખરે આ બાબતની જાણ મકાન માલિક સહિત પરિવારજનો થતાં તેઓએ આ મહિલાને ઘરમાંથી જતી રહેવા જણાવ્યું હતુ પરંતુ આ મહિલા ઘરમાંથી નીકળવાનું નામ લેતી ન હતી. અજાણી અસ્થિર મગજની મહિલા દ્વારા વારંવાર એ પણ રટણ કરતી હતી કે, રાજેશ મને છોડીને જતો રહ્યો હતો. અજાણી અસ્થિર મગજની મહિલાએ પોતાનુ નામ સંગીતા જણાવ્યુ હતુ. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ મહિલાના હાથમાં રાજેશ અને સંગીતા નામનું ટેટુ પણ ચીતરેલું જાવા મળ્યું હતુ. મહિલાના ઘરમાં ઘુસી જવાના કિસ્સા વચ્ચે વિસ્તારમાં ભારે ભીડ ઉમટી પડી હતી અને હોબાળાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આખરે સ્થાનીકો દ્વારા ૧૦૮ અભયમનો સંપર્ક કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અસ્થિર મગજની મહિલાને લઈ પોલીસ મથકે જવા રવાના થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી અને મહિલા ક્યાંની છે? તેમજ તેના પરિવારનો સંપર્ક સાંધવાની કોશીષ કરી રહી છે