ઉત્તરાયણ પર્વનો આનંદ અબોલ પશુ પંખીઓ માટે ઘાતક બન્યો.!!
દાહોદમાં ઉતરાયણ પર્વ દરમિયાન ગગનમાં વિહાર કરતા 101 જેટલા અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ધવાતા લોહી લુહાણ બન્યા ..
ઉતરાયણ દરમિયાન પતંગના દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સમડી, ઘુવડ, કબૂતર,પોપટ અને બગલા ઘવાયા – સૌથી વધુ કબૂતરોની સંખ્યા..
દાહોદ તા.16
દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉતરાયની બે દિવસ ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણી કેટલાક વ્યક્તીઓ તેમજ અબોલા પક્ષીઓ માટે ઘાતક નિવડી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં વન વિભાગ અને પશુ દવાખાનામાં અને એનજીઓના સંયુક્ત ઉપક્રમે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું. પતંગોત્સવ દરમિયાન જિલ્લામાં 101 પક્ષીઓ ઘાયલ થયા હતાં. દાહોદ જિલ્લામાં તંત્ર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યુ હતું.
ઉત્તરાયણના પર્વ દરમિયાન નાગરિકોએ ચાઈનીઝ દોરી-તુકકલનો ઉપયોગ કરવો જોઈએ નહીં, વહેલી સવારે તેમજ મોડી સાંજના સમયે પતંગ ચઢાવવા ન જોઈએ. તહેવાર અવશ્ય ઉજવીયે, પરંતુ પક્ષીઓનું પણ ધ્યાન રાખીયે તે સહિતના સૂત્રો તંત્ર દ્વારા વહેતા કરાયા હતા આ સાથે વિવિધ સ્થળોએ જનજાગૃતિ માટે બેનરો તથા પોસ્ટર લગાવ્યા હતાં. અભિયાનમાં ખાનગી સંસ્થાઓને પણ જોડવામાં આવી હતી. પરંતુ દોરીમાં ફસાયેલા 101 પક્ષીઓ ઘાયલ થયા હતાં. ઘાયલ થયેલા પક્ષીઓમાં સમડી, ઘુવડ, કબૂતર,પોપટ અને બગલાનો સમાવેશ થાય છે.
ઘાયલ થનારા પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. દરેક તાલુકા અને પશુ દવાખાના ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. પતંગોત્સવના દિવસો દરમિયાન જિલ્લામાં ઘણા સ્થળે દોરાઓમાં ફસાયેલા પક્ષીઓનો રેસ્ક્યુ પણ કરાયુ હતું. આ સાથે કેટલીક જગ્યાએ પક્ષીઓ મૃત્યુ પામ્યાના પણ અહેવાલ મળ્યા છે. ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હતી. કેટલાંક પક્ષીઓને વધુ ઇજા ન હોવાથી તેમને ડ્રેસિંગ બાદ છોડી મુકાયા હતા. જ્યારે એનિમલ કેર હેઠળ સારવારમાં રાખવામાં આવ્યા હતા.