
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા તાલુકાના દુધિયા ગામે એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સોના ચાંદીના દાગીના મળી 79,800 ના મુદ્દામાલ પણ હાથફેરો...
લીમખેડા તા.24
લીમખેડા તાલુકાના દૂધિયા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનનું તાળુ તોડી પ્રવેશ કરી મકાન ની તિજોરી માં મુકેલ સોના ચાંદીના દાગીના મળી 79,800 ના મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટયાનું જાણવા મળે છે.
વધુ મળતી માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના દુધિયા ગામના હાંડી ફળિયાના રહેવાસી અરવિંદભાઈ દેવચંદભાઈ જાટવા પોતાના મકાનને તાળું મારી કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા. ત્યારબાદ ગતરોજ ચોરીના મક્કમ ઇરાદા સાથે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ અરવિંદભાઈના મકાનને નિશાન બનાવી મકાનનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તસ્કરોએ મકાનમાં મુકેલી તિજોરીનું તાળું તોડી તિજોરીમાં મુકી રાખેલ સોના ચાંદીના દાગીના મળી 79,800 ના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે દુધિયા હાંડી ફળિયાના અરવિંદભાઈ દેવચંદભાઈ જાટવાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.