
વિપુલ જોષી :- ગરબાડા
મેઘાને મનાવવા ગરબાડા તાલુકાના ધરતીપુત્રો દ્વારા કરાતા વિવિધ પારંપારિક પ્રથાઓ આજે પણ યથાવત
વરસાદ ખેંચાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક શિવલિંગ ને પાણીમાં ડુબાડી, ક્યાંક મહિલાઓ મારક હથિયારો સાથે સુસજ્જ થઇ ધાડ પાડવાનો આડમ્બર રચે છે.
ઇન્દ્રદેવને મનાવવા ગીતો ગાઈ, હનુમાનજીની પ્રતિમાને છાણથી લિપણ કરી તેમજ સારો વરસાદ વરસતા જળાભિષેક કરવાની પ્રથા
ગરબાડા તા.12
ગરબાડા પંથકમાં હજારો વર્ષ પહેલા દુષ્કાળની સ્થિતિ જાણવા તથા બીમારીને નાથવા દુષ્કાળથી ઢોરઢાંખર ને મરતા બચાવવા માટે જે તે સમયના વડવાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ નુસ્ખાઓ તાલુકાની પ્રજામાં આજે પણ જીવંત જોવા મળી રહ્યા છે
્ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં ખેતીલાયક વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતીત બન્યા છે. અને વર્ષોથી મેઘાને મનાવવા માટેના વિવિધ પારંપારિક નુસખાઓ અપનાવતા જોવા મળી રહ્યા છે. જેમકે તાલુકાના દરેક ગામમાં અષાઢ મહિનામાં ગુંદરુ કાઢવાની પ્રથા આજે પણ યથાવત છે. જ્યારે ઘણા ખરા લોકો મેઘાને મનાવવા શિવલિંગ ને પાણીમાં ડુબાડે છે.હોમહવન, ભજન કીર્તન રાખે છે તેમજ તાલુકાના જાંબુઆ ગામ ની વાત કરીએ તો વાવણી કર્યા બાદ જો વરસાદ લંબાઈ ત્યારે ગામની અમુક સમાજની બહેનો ગામમાં આવેલ હનુમાનજી ની પ્રતિમાને ઈન્દ્રદેવ ના ગાયણા ગાયને વિધિવત રીતે છાણથી હનુમાનજીની પ્રતિમાને લિપવામા આવે છે. અને વરસાદ આવ્યા બાદ અન્ય સમાજની બહેનો આ પ્રતિમાને જલાભિષેક કરી છાણથી માથી મુક્ત કરે છે. તેવી જ રીતે તાલુકાના જેસાવાડા ગામ મા મેઘાને મનાવવા સ્ત્રીઓ ભેગી થઇ હાથમાં તીરકામઠાં ધારીયા દાતરડા જેવા હથિયારો લઇ ધાડ પાડવા નો આડંબર કરે છે. અને ગાયણા ગાતા જય ને ગામમાંથી એક બકરી પકડી આખા ગામમાં ફરી અને માતાજીના મંદિરે જઈ બકરીના કાન પાસેથી બે ટીપાં લોહી કાઢી અને માતાજીને ધરાવવામાં આવે છે. જે વિધિ સતત બે દિવસથી સુધી કરવામાં આવે છે બીજા દિવસે ભેંસ નો પાડો પકડીને તેને પણ આવી જ રીતે વિધિ કરવામાં આવે છે. તેમજ વરસાદ લંબાતાં તાલુકાના તમામ ગામોમાં મેઘાને મનાવવા સતત પાંચ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે જેમાં જમવાનું ઘરની બહાર બનાવવામાં આવે છે અને ધૂપ-દીપ કરી વરુણદેવને મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેવીજરીતે દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ મેઘાને મનાવવા માટે જુદા જુદા નુસખાઓ અપનાવવામાં આવે છે જેમકે જિલ્લાના ધાનપુર તાલુકામાં મહિલાઓ પુરુષ નો વેશ ધારણ કરી હાથમાં હથિયારો લઇ કિકિયારીઓ કરતી અને ઇન્દ્ર દેવના ગીતો ગાયને મેઘાનો મનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.