જીગ્નેશ બારીઆ @ દાહોદ
દાહોદ , તા.ર૪
લીમખેડામાં શાસ્ત્રી ચોક ખાતે આજે બપોરે ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા રેલી યોજી દાહોદ ભાજપના સાસંદ જશવંતસિંહ ભાભોરના પુતળાનું દહન કરીને સુત્રોચ્ચાર પોકારતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ગીર અને આલોચના ભરવાડ, રબારી અને ચારણ જાતિઓને આદિવાસીઓમાં સમાવવા માટે સરકાર દ્વારા પ્રમાણ પત્રો આપવામાં આવ્યા છે તેનો ભીલીસ્તાન ટાઈગર સેનાએ વિરોધ કર્યો હતો.
લીમખેડામાં આજે બપોરે ભીલીસ્તાન ટાઈગર સેનાના કાર્યકરો દ્વારા રેલી નીકળી હતી. દાહોદ ભાજપના સાસંદ જશવંતસિંહ ભાભોર તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર આદિવાસીઓના અન્યાયમાં સમર્થન આપી રહ્યા હોવાનું જણાવી તેઓ વિરૂધ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા. બપોરના ૧.૩૦ કલાકના સુમારે લીમખેડા બજારમાં શાસ્ત્રીચોક પહોંચી દાહોદ ભાજપના સાંસદ જશવંતસિંહ ભાભોરના પુતળાનું દહન કરવામાં આવ્યું હતુ. ૧પ થી ર૦ મિનીટ સુધી લીમખેડા બજારમાં શાસ્ત્રી ચોક ખાતે પુતળા દહન કરી ચક્કાજામ કર્યા હતા. સોરાષ્ટ્ર વિસ્તારમાં માલધારી સમાજના ભરવાડ, રબારી અને ચારણ જાતિઓને આદિવાસીઓમાં સમાવી પ્રમાણપત્રો આપવામાં આવતા તેનો ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.