સંજેલીમાં કસ્તુરબા વિદ્યાલયના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાં પ્રમુખ અને ચેરમેનના નામની બાદબાકી:બે અધિકારીઓની બદલી કરાઈ

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

સંજેલીમાં કસ્તુરબા વિદ્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રિકામાં પ્રમુખ અને ચેરમેનના નામની બાદબાકી થતા બે અધિકારીઓની બદલી.

બી.આર.સી અને સી.આર.સીની પ્રતિનિયુક્તિ રદ કરી અન્ય સ્થળે બદલી કરાઈ.

આમંત્રણ પત્રિકા અને તકતીમાં નામોની બાદબાકી થઇ હતી.

( પ્રતિનિધિ ) સુખસર,તા.23

 સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં આમંત્રણ પત્રિકામાં તેમજ વિદ્યાલય ઉપર લોક આગળ તકતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ના નામની બાદબાકી થઇ હોવાનું જણાતા તાત્કાલિક અસરથી બેદરકારી બદલ સી.આર.સી.અને બી.આર.સી ની પ્રતિ નિયુક્તિ રદ કરી અન્ય સ્થળે બદલી કરી દેવાઈ હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 

 

સંજેલી તાલુકાના કાવડા ના મુવાડા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ૧.૪૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી.જેનું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દાહોદ જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાનો કાર્યક્રમ હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના નામોની બાદબાકી થઇ હોવાનું જોવા મળ્યું હતું.તેમજ વિદ્યાલયના લોકાર્પણ દરમિયાન તકતીમાં પણ નામોની બાદબાકી થઇ હોવાનું નજરે જોવા મળ્યું હતું.જેમાં તપાસ દરમિયાન શિક્ષણ સમિતિ દ્વારા સ્થાનિક સી.આર.સી તાલુકાના બી.આર.સી નો બેદરકારી બદલ પ્રતિનિયુક્તિ રદ કરી અન્ય સ્થળે બદલી કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.કાર્યક્રમની રૂપરેખા તૈયાર કર્યા બાદ આમંત્રણ પત્રિકા છપાયા બાદ પણ તેની તપાસ તેમજ તકતીમાં નામોની પણ તપાસ જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી ન હોય? તેવો ગણગણાટ ચર્ચાયો હતો.જેમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાયો હતો.

લોકાર્પણ કાર્યક્રમમાં બીઆરસી તેમજ સી.આર.સીની બેદરકારીને કારણે બદલી કરાઈ :- મયુર પારેખ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દાહોદ)

કેજીબીવી ના લોકાર્પણ કાર્યક્રમમાં પત્રિકા અને તકતી બનાવવાની જવાબદારી ત્યાંના સરપંચને સોંપવામાં આવી હતી.જેમાં આમંત્રણ પત્રિકા અને તકતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ચેરમેનના નામની બાદબાકી થઇ હતી.જે બાબતે સી.આર.સી.અને બી.આર.સી ની બેદરકારી બદલ પ્રતિ નિયુક્તિ રદ કરી તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે.

Share This Article