બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા-સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર માંગણીઓને લઇ ધારાસભ્યને આવેદન અપાયું.
તારીખ. 01/04/2004 પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા આવેદનપત્રમાં જણાવાયું.
ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા આવેદનપત્રનો સ્વીકાર કરી સરકારમાં પહોંચાડવાની હૈયાધારણા અપાઇ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.19
ફતેપુરા-સંજેલી તાલુકાના પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ આજરોજ ધારાસભ્યને નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું અને તેમાં વર્ષ 2005 થી અમલમાં મૂકવામાં આવેલ યોજનાનો અમલ રદ કરી જૂની પેન્શન યોજનાનો લાભ દરેક શિક્ષકોને આપવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા શિક્ષકોની માંગણીને સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ ફતેપુરા-સંજેલી તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો દ્વારા ધારાસભ્ય રમેશભાઈ કટારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.તેમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ એ રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે.તેમજ રચનાત્મક અભિગમ સાથે શિક્ષણમાં સારા પરિણામો મેળવવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આ સંગઠન કામ કરી રહ્યું છે.જેમાં તા.01/04/2005 થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે.ત્યારે તારીખ.01/04/ 2005 પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજના મેળવવા માટેનો હક્ક છે.પરંતુ તારીખ. 01/04/2005 પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઇએ તેમ જણાવાયુ છે.વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 30 થી 35 વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી જ્યારે શિક્ષક નિવૃત્ત થાય છે ત્યારે શિક્ષકને નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન મળે છે.જે રકમથી શિક્ષકને પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું થઇ પડે છે.જેથી જૂની પેન્શન યોજના ચાલુ કરવા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.જોકે આ માંગણી બાબતે વિવિધ સ્થળે આંદોલન કાર્યક્રમો તથા માનનીય રાષ્ટ્રપતિ,વડાપ્રધાન તથા શિક્ષણ મંત્રીને જૂની પેન્શન યોજના ચાલુ કરવા રજૂઆતો કરવામાં આવેલ છે.તેમજ આ સંદર્ભે દિલ્હી જંતર મંતર ખાતે ધરણા તથા આંદોલન કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
જોકે અગાઉના આંદોલનના પરિણામ સ્વરૂપ કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે.જ્યારે હાલ ગુજરાતમાં નવી પેન્શન યોજના અમલી છે.તેની જગ્યાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં જૂની પેન્શન યોજનાનો અમલ કરવા માટે ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોની માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.