
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયામાં સરકારી પડતર ગૌચર અને જાહેર સ્થળોના દબાણો દૂર કરવા ગ્રામજનો હડતાલ પર ઉતર્યા.
સરપંચ અને તલાટીએ દબાણો દૂર કરવાની બાંહેધરી આપતા હડતાલ સમેટાઈ.
હડતાળમાં નાના બાળકો પણ જોડાતા આશ્ચર્ય.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૩
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સરકારી જમીનો પર દબાણો કરી દેવાયા છે જેને દૂર કરવા માટે મામલતદારને રજૂઆત કરી હતી.પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી ન કરાતા ગ્રામજનો હડતાલ પર ઉતર્યા હતા. જેમાં સરપંચ અને તલાટીએ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા હડતાલ સમેટાઇ હતી.
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સરકારી જમીનોમાં દબાણો કરી દેવાયા છે.સરકારી પડતર,ગોચર, ખરાબાની જમીનો પર છેલ્લા કેટલાય વર્ષોથી દબાણો કરી દેવાયા છે.તેમજ કેટલીક જગ્યાએ રસ્તો બંધ કરી ખેડાણ કરી દેવાયું છે.જે બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વહેલી તકે દબાણો ખુલ્લા કરવા રજૂઆત કરાઇ હતી. બલૈયા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયાને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે.છતાં દબાણની જમીન ખુલ્લી કરવામાં આવતી નથી. અને નવીન હોસ્પિટલનુ બાંધકામ પણ શરૂ કરવામાં આવતું નથી.સરકારી જમીન પર રસ્તો બંધ કરી ખેડાણ કરી દેવાયો હોવાની બાબતે સોમવારના રોજ ગ્રામજનો હડતાલ પર ઉતર્યા હતા.જેમાં સરપંચ અને તલાટીએ સરકારી નિયમ મુજબ માપણી કરાવી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.
મામલતદાર માંથી યાદી મંગાવી માપણી કરવામાં આવશે, દબાણ હશે તો દૂર કરવામાં આવશે :- કે.આર. પંચાલ (તલાટી બલૈયા ગ્રામ પંચાયત)
સરકારી જમીનના સરવે નંબર બદલાઈ ગયા છે.જેથી મામલતદાર માંથી યાદી કરાવીને માપણી મંગાવીએ છીએ.અને માપણી બાદ દબાણો હશે તો દૂર કરવામાં આવશે.હાલમાં ગ્રામજનો હડતાલ પર ઉતર્યા હતા. જેઓને કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા હડતાલ સમેટાઈ છે.
બલૈયા સરકારી જમીન પર દબાણ દૂર કરવા આવેદન આપ્યા બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં આમો હડતાલ પર ઉતર્યા હતા :- અજય ડામોર (ગ્રામજન)
બલૈયામાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે અમોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. છતાં તેઓ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સોમવારે અમો હડતાલ પર ઉતર્યા હતા.જેમાં તલાટી અને સરપંચે કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા અમોએ હડતાલ સમેટી હતી.