
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્યના પુત્રીના ૧૫માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ.
પુત્રીના જન્મદિનની ઉજવણીમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને બાજુ ઉપર રાખી હાલના સમયને ધ્યાનમાં રાખી જન્મદિન ઉજવાયો.
પુત્રીના જન્મ દિન નિમિત્તે વતનની તથા ફરજની શાળામાં બાળકોને માસ્ક આપી ૧૫૦ વૃક્ષો ભેટમાં આપ્યા.
(પ્રતિનિધિ ) સુખસર,તા.૦૯
ફતેપુરા તાલુકામાં આવેલ ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પોતાની દિકરીના જન્મ દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવી હતી.જેમાં હાલના સમયમાં જનરલી જન્મદિવસની ઉજવણી કેક કાપી, ચોકલેટ વહેંચી,પાર્ટીઓ કરીને તેમજ મીણબત્તીઓ બુઝાવીને સમાજ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી બિન જરૂરી ખર્ચા કરી રહ્યો છે. જ્યારે ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્યએ હાલમાં કોરોના મહામારી નો સમય ચાલી રહ્યો છે તેને ધ્યાને રાખી પોતાની શાળાના ૨૩૦ બાળકો જ્યારે વતન મોટાનટવાના જાંબુડી ફળિયા પ્રાથમિક શાળાના ૬૫ બાળકો સહિત પોતાના પરિવારના બાળકોને માસ્ક આપીને ઉજવણી કરી સાથે- સાથે બાળકોને ઘરની બહાર નીકળો ત્યારે ફરજિયાત આ માસ્કનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો.જ્યારે હાલમાં કેટલાય માણસોએ ઓક્સિજનના અભાવે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.જેને ધ્યાને લઇ પુત્રીના જન્મ દિન નિમિત્તે ફતેપુરા તાલુકાની ફરજની ભિતોડી પ્રાથમિક શાળા તથા વતન મોટાનટવાના જાંબુડી પ્રાથમિક શાળાને પુત્રીની ૧૫ મી વર્ષગાંઠ નિમિત્તે ૧૫૦ વૃક્ષો ભેટ અર્પણ કરીને પુત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી સમાજને સુંદર વિચારની ભેટ આપી હોવાનું જાણવા મળે છે.