
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને અપાતી કિટ ફાળવણીમાં હળહળતો અન્યાય..?
અગાઉના વર્ષોમાં રૂપિયા ૫૦૦/-ના રાહત દરે બે યુરિયા બેગ, એક ડીએપી બેગ,૧૦ કિલો મકાઈ બિયારણ તથા એક બેગ પોટાશની આપવામાં આવતી હતી.
હાલ આપવામાં આવતી રાહતદરની કિટમા અઢીસો રૂપિયામાં એક બેગ યુરીયા ખાતર, એક બેગ પોટાશ તથા ચાર કિલો મકાઈ બિયારણ ફાળવી ખેડૂતોને રાજી કરવામાં આવી રહ્યા છે.
ટ્રાયબલ સબ પ્લાન દાહોદ ના માધ્યમથી ફાળવવામાં આવતી કિટ મોટાભાગે મળતિયા તથા ચૂંટાયેલા પ્રતિનિધિના માણસોને ફાળવી ગરીબ ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા હોવાની ઉઠેલી બુમો.
(પ્રતિનિધિ ) સુખસર,તા.૦૭
ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ,દાહોદ જિલ્લા ટ્રાયબલ સબ પ્લાનના માધ્યમથી દર વર્ષે ખેડૂતોને ચોમાસુ સીઝન વખતે રાહત દરે ખાતર તથા બિયારણના કિટની ફાળવણી કરવામાં આવે છે.જેના લીધે કેટલાક ગરીબ ખેડૂતોને ખાતર તથા બિયારણમાં બજારમાંથી ખરીદવા કરતા રાહત રહે છે.પરંતુ ગત વર્ષોમાં જે ખાતર તથા બિયારણમાં ખેડૂતોને આપવામાં આવતું હતું તેમાં ચાલુ વર્ષે કાપ મૂકવામાં આવ્યો છે.સાથે-સાથે કેટલાક ગામડાઓમાં આ કીટનો લાભ મેળવવા પાત્ર અનેક ગરીબ ખેડૂતોને બાકાત રાખી મોટાભાગે ચૂંટાયેલા પ્રતિનિધિઓના માણસો સહિત તેમના મળતિયાઓને કિટની ફાળવણી કરી ગરીબ ખેડૂતો સાથે ક્રૂર મજાક કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.ત્યારે ફાળવવામાં આવેલ આ લાભાર્થીઓની તપાસ કરવામાં આવે તો સાચી વિગતો પ્રકાશમાં આવી શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કૃષિ વૈવિધ્યકરણયોજનાહેઠળ ટ્રાયબલ સબ પ્લાન દાહોદના માધ્યમથી ખેડૂતોને ખાતર તથા બિયારણ ની કીટ ની ફાળવણી કરવામાં આવેલ છે.જેમાં અગાઉના વર્ષોમાં જે-તે ખેડૂતો દ્વારા રૂપિયા ૫૦૦/-ભરતાં ખેડુત ને ૪૫-૪૫કિલોની બે યુરિયા બેગ,એક ડીએપી બેગ,એક બેગ પોટાસ તથા પાંચ-પાંચ કિલો મળી ૧૦ કિલો મકાઈ.બિયારણ આપવામાં આવતું હતું.જ્યારે ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી રૂપિયા ૨૫૦/- ભરાવી ૪૫ કિલોની એક યુરિયા બેગ, તથા એક બેગ પોટાશ તેમજ માત્ર ચાર કિલો મકાઈ બિયારણ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે.તેમાં પણ મોટાભાગે આ કિટનો લાભ મળવાપાત્ર અનેક ગરીબ ખેડૂતોની બાદબાકી કરી કેટલાક સરપંચો તથા તાલુકા-જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના મળતિયા અને આ કિટનો લાભ મેળવવો જરૂરી ન હોય તેવા લોકોને કિટની ફાળવણી કરવામાં આવી હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.
કેટલીક જગ્યાએ એક જ ઘરમાં અલગ-અલગ નામોથી એકથી વધુ કિટો ફળવાઇ હોવાનું પણ જાણવા મળે છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ફળવાતા ખાતર તથા બિયારણ કિટ ફાળવવા યાદી તૈયાર કરનાર જવાબદારોની તપાસ પણ આવશ્યક છે.જોકે ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી અથવા ગ્રામસેવકો કે અન્ય જે કોઈ જવાબદાર હોય તેમના દ્વારા કિટ મેળવવાપાત્ર ખેડૂતોની યાદી તૈયાર થવી જોઈએ.પરંતુ તેમ નહી થતા સરપંચો તથા તાલુકા-જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોર્મ વિતરણ કરી દેવામાં આવે છે.અને તે ફોર્મ તેમના મળતીયા અને માનીતા લોકોના ભરી યાદી તૈયાર કરી ટ્રાયબલ સબ પ્લાનમાં મોકલી આપવામાં આવતા સાચા ખેડૂતો સાથે હળહળતો અન્યાય થઇ રહ્યો છે.પરંતુ તાલુકા જિલ્લામાં થતા અન્યાયની સામે અવાજ ઉઠાવવા ખેડૂત આગેવાનો અને સરકારી તંત્રો સાચા ખેડૂતોને ન્યાય મળે તેવો વહીવટ ચલાવવા પાંગળા પુરવાર થઇ રહ્યા છે.ત્યારે ખેડૂતો ફરિયાદ કરવા જાય તો કરે કોને..?