
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં પ્રજાના આરોગ્યને વ્યાપક નુકસાન પહોંચવાના જણાતા સંકેત.
ફતેપુરા તાલુકા મથક સહિત સુખસર,બલૈયા,આફવા જેવા શહેર વિસ્તારમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા.
કોરોનાની પહેલી લહેર બાદ નિષ્કાળજીથી બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા,
ત્રીજી લહેરમાં લોકોની આરોગ્ય સંબંધી બેદરકારીથી વ્યાપક નુકસાન થાય તે પહેલાં વહીવટી તંત્રોની સજાગતા આવશ્યક.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૨
કોરોના મહામારીએ દેશના અર્થતંત્રને ખોરવી નાખ્યું છે.છેલ્લા એક વર્ષ ઉપરાંતથી લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે.જ્યારે કોરોનાની પહેલી લહેર શાંત થાય તે પહેલાજ આવેલી બીજી લહેરની ઝપટમાં આવેલા અનેક લોકો એ જીવ ગુમાવ્યા હોવાનું અને તેમના સ્વજનોના ડુસકા હજી શમ્યા નથી ત્યાંજ અનુમાનકારો કોરોનાની ત્રીજી લહેર સંભવિત હોવાનું જણાવી રહ્યા છે.તેમ છતાં મોટા ભાગની પ્રજા નિર્ભય બની કોરોનાથી કાંઇ બન્યું નથી, અને થવાનું પણ નથીના ધમંડમાં રહી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નીતિ-નિયમોને બાજુ ઉપર રાખી મોટાભાગના લોકો નિર્ભય બની ફરી રહ્યા છે.ત્યારે જવાબદાર સરકારી વહીવટીતંત્રો એ પ્રજાને પરિપત્ર મુજબના પાઠ ભણાવવા સજાગ બનવાની જરૂરત જણાઈ રહી છે.
ગત એપ્રિલ-મે માસમાં પંદરથી વીસ દિવસમાં કોરોએ દેશમાં કહેર મચાવ્યો હતો. જેમાં અનેક લોકોને કોરોનાએ પોતાના સકંજામાં લીધા હતા.અને કોરોનાનો શિકાર બનેલા કેટલાય લોકોએ લાખો રૂપિયા ખર્ચ કરી મોતને હાથતાળી આપી માંડ-માંડ બચ્યા હતા.જ્યારે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.તેમજ કોરોના શહેરી વિસ્તારોથી લઈ ગામડાના છેવાડાના વિસ્તાર સુધી પ્રસરતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક લોકો કોરોનામાં કાળનો કોળીયો બન્યા છે.બીજી બાજુ કોરોનાએ કહેર મચાવતા સરકાર અને વહીવટી તંત્રોએ રાત દિવસ ખડે પગે રહી વધુ લોકો કોરોનાની ઝપટમાં આવે નહીં તે હેતુથી જાહેરનામાં બહાર પાડી નિયમો ઘડી જીવના જોખમે પોતાની ફરજ નિભાવવામાં પાછી પાની કરી ન હતી.કોરોના દર્દીઓની સેવામાં જોડાયેલા કેટલાક આરોગ્ય કર્મચારીઓએ પણ જીવ ગુમાવવાના દાખલા મોજૂદ છે.
કોરોનાની ચેતવણી રૂપ પહેલી લહેર બાદ લોકોએ બેદરકારી દાખવતા બીજી લહેર અનેક લોકો માટે ઘાતક સાબિત થઈ હતી.અને હજી અનુમાન કારો દ્વારા ત્રીજી લહેર આવવાની અને વધુ ઘાતક નીવડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.તેમ છતાં ફતેપુરા તાલુકાનું મુખ્યમથક ફતેપુરા, સુખસર,બલૈયા,આફવા જેવા શહેરી વિસ્તારોમાં નજર નાખતા હાલ મોટા ભાગની પ્રજા સહિત નાનો-મોટો વેપાર ધંધો કરતા વેપારીઓ દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરી નિર્ભય બની ગયા હોવાનું નજરે જોતા ઊડીને આંખે વળગે છે.જોકે ગત કોરોનાની બીજી લહેર દરમિયાન ફતેપુરા તાલુકામાં કોરોનાના વધુ કેસો નોંધાયા હતા.અને તાલુકામાં કોરોનો રોગચાળો વધુ વકરે નહીં તે બાબતે જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા ખાસ તકેદારીરૂપે નજર રાખવામાં આવી રહી હતી.જેના અનુસંધાને સ્થાનિક સહિત તાલુકા તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી.છતાં કેટલાક કિસ્સાઓમાં વહીવટી તંત્ર પણ મજબુર સાબિત થયું હતું.જેથી કેટલાક ગામડામાં લોકો કાળનો કોળીયો બન્યા હતા. તેમ છતાં ફતેપુરા તાલુકાની પ્રજા આ તમામ બાબતો ભૂલી ગઈ હોય તેમ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના હોવાનું જણાવાઈ રહ્યું છે.તેમ છતાં અન્યનીતો ઠીક પરંતુ પોતાના જીવની પરવા કરતી ન હોય તેમ હરતી-ફરતી જોવા મળી રહી છે. અને કદાચ કોરોનાની ત્રીજી લહેર આવશે તો ફતેપુરા તાલુકાની મોટા ભાગની પ્રજાને બચાવવા વાળુ કુદરત સિવાય કોઈ નહીં હોય તેમ જણાય છે. ત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નીતિ નિયમોનું સ્થાનિક વહીવટી તંત્રો પાલન કરાવે તથા પ્રજા તેનો ચુસ્ત અમલ કરે તે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.
કોરોના સંબંધે સરકારના પરિપત્રનું ઉલ્લંધન કરતા કોઈપણ નાગરિક સામે કાયદેસર કાર્યવાહી કરવી તે સ્થાનિક વહીવટી તંત્રોની જવાબદારી છે
કોરોનાની બીમારી ખાસ કરીને હવાથી તથા સંપર્ક થવાથી ફેલાતી હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. અને આ બીમારી ફેલાતી અટકાવી અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. તેમાં ફરજિયાત તમામ લોકોએ માસ્કનો ઉપયોગ કરવો તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તે મુખ્ય નિયમો છે.છતાં લોકો આ નિયમનું સરેઆમ ભંગ કરતા હોય માસ્ક વિનાના ફરતા લોકોને એક હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવેલ છે.જેમાં આ લખનાર સહમત છે.પરંતુ ફતેપુરા તાલુકામાં મોટા ભાગે ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોનો કોરોના બીમારી ફેલાવવામાં મુખ્ય હાથ હોય તેમ માસ્ક વિના અવર-જવર કરતા ટુ વ્હીલર વાહનચાલકોને ટાર્ગેટ બનાવવા ફતેપુરા,સુખસર જેવા ગામમાં પ્રવેશ કરતા રસ્તાની ચોકડીઓ ઉપર પોલીસના માણસો તૈનાત કરી માસ્ક વિના ટુ વ્હીલર ઉપર અપડાઉન કરતા વાહન ચાલક પાસેથી પોલીસ દ્વારા વાહન કબજે લઇ માસ્કનો દંડ વસૂલાત કરી વાહન જે-તે વાહન ચાલકને સોંપી દેવામાં આવતા હોય છે. હાલ સુખસર,ફતેપુરા ગામમાં જોતા એંસી ટકા લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે.જોકે માસ્ક વિના નિયમનો ભંગ કરતા વાહન ચાલકને સરકારના પરિપત્ર મુજબ દંડ વસૂલાત કરવામાં આવે છે તેના માટે વાંધો નથી.પરંતુ વાંધોતો ત્યાં છે કે,માસ્ક વિના વેપાર-ધંધો કરતા નાના-મોટા વેપારીઓ સહિત ફતેપુરા,સુખસર ગામમાં વેપાર અર્થે આવતી માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતી પ્રજા કેમ નજરે પડતી નથી? વાહનચાલકો અને વાહન વિનાની વેપાર-ધંધા અર્થે આવેલ લોકો પાસેથી વસુલાત કરવામાં આવેલ દંડની રકમ વચ્ચે મોટો તફાવત જોવા મળશે તે હકીકત છે.સરકારના પરિપત્રનું ઉલ્લંધન કરતા કોઈપણ નાગરિક સામે કાયદેસર કાર્યવાહી કરવી તે સ્થાનિક વહીવટી તંત્રોને જવાબદારી સોપવામાં આવેલ છે.ત્યારે કસૂરવાર કોઈપણ નાગરિક હોય તેની સામે તંત્ર દ્વારા સરખો ન્યાય રાખી નિયમો જાળવવામાં આવશે તો કદાચ કોરોનાના ત્રીજા વેવ સામે પ્રતિકાર કરી શકાશે.અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે.ત્યારે ગરીબ લોકો પાસે હાલના નિયમ મુજબ માસ્કનો દંડ ભરવા પૂરતી રકમ નહીં પણ હોય ત્યારે કોઈપણ માણસને દંડની રકમ પોસાય તેવો નિયમ હોવો પણ જરૂરી જણાય છે.