
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવામાંથી એલોપેથિક સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો.
ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ વર્ષો પછી આરોગ્ય ખાતાને ધ્યાને આવ્યો !
ઝડપાયેલા બોગસ તબીબ પાસેથી રૂપિયા-૧૨૬૭૫/- નો મુદ્દામાલ જપ્ત કરી ધી મેડીકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૨
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરીબ પ્રજાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતા ઝોલા છાપ તબીબો ઉપર પનોતી બેઠી હોય તેમ એક બાદ એક ઝડપાઈરહ્યા છે.ત્યારે આજરોજ ફતેપુરા તાલુકામાં પ્રજાના આરોગ્ય સાથે છેડા કરતો બોગસ તબીબ ફતેપુરા તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા આફવા ગામેથી ઝડપાતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મળેલ સૂચના મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામે બોગસ ડોક્ટર બની પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવી માણસોને સારવાર આપતો હોવાનું ધ્યાને આવતા ફતેપુરા આરોગ્ય ટીમ સહિત સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એન.પી સેલોત તથા સ્ટાફ દ્વારા પંચોને સાથે રાખી હકીકત થી વાકેફ કરી આફવા ગામે બાતમી વાળી જગ્યાએ આફવા ગામે મેડિકલ કેર દવાખાના વાળી જગ્યાએ રેડ કરતા ત્યાં મેડિકલ સારવાર કરતા હાજર વ્યક્તિનું નામ પુછતા તેણે તેનું નામ હેમંત કુમાર વિનોદભાઈ સરકાર હાલ રહેવાસી આફવા,તા.ફતેપુરા મૂળ રહેવાસી રાઉટી,તા.બાજના,જિલ્લો. રતલામ (મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવેલ.તેની પાસે ડોક્ટરની ડીગ્રીના કાગળ માંગતા કાગળો તેમજ ડિગ્રી સર્ટિફિકેટ વિગેરે આધાર પુરાવા માગતાં મળી આવેલ નહીં.
જ્યારે ચલાવાઈ રહેલા દવાખાનામાં તપાસ કરતાં એલોપેથિક દવાઓ તેમજ મેડીકલના સાધનો, બાટલા,ઇન્જેક્શન,ગોળીઓ બી.પી ઈન્સ્ટ્રુમેન્ટ તથા સ્ટેથોસ્કોપ,સીરપની બોટલ મળી મેડીકલ પ્રેક્ટિસ કરવા અંગેના સાધનો પોતે ડોક્ટર હોવા છતાં દાક્તરી સેવાના સાધનો દવાઓ વિગેરે ગેરકાયદેસર રીતે રાખી લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે મેડીકલ પ્રેક્ટિસ કરી બેદરકારી ભર્યું કૃત્ય કરી ગેરકાયદેસર દવાઓ તથા તેને લગતા સાધનો રાખી આરોગ્યની ટીમની રેડ દરમિયાન રૂપિયા-૧૨૬૭૫/- નો મુદ્દામાલ મળી આવતા આ બોગસ તબીબ વિરુદ્ધ ધી મેડીકલ પ્રેકટીશનર એક કલમ-૧૯૬૩ની કલમ ૩૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે આફવા ગામેથી આજરોજ બોગસ તબીબ ઝડપાયો હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા સુખસરમાં ચલાવાતા ખાનગી દવાખાનાઓ ટપોટપ બંધ થઈ ગયા હતા.અને દર્દી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે શું સુખસરમાં ચલાવાઈ રહેલા ખાનગી દવાખાના નો સરકારના નિયમો થી ઉપરવટ જઇને આ દવાખાના ચાલી રહ્યા છે?અને તેમ હોય તો તેઓની તપાસ કેમ કરવામાં આવતી નથી?તેવુ જાગૃત લોકોમાં ચર્ચાતુ સાંભળવા મળી રહ્યું હતું.
દસ વર્ષ અગાઉ ફતેપુરા તાલુકા માંથી તમામ પરપ્રાંતીય બોગસ ડોક્ટરો બિસ્તારા પોટલા સાથે ગુજરાત છોડી ભાગ્યા હતા
અહીંયા જણાવવું જરૂરી છે કે વર્ષ-૨૦૧૦ માં એક બોગસ પરપ્રાંતિય તબીબ દ્વારા સુખસરના એક પત્રકાર ને દબાણમાં લાવવાના ઇરાદાથી તેના મળતિયા કેટલાક તત્વોનો સહકાર લઈને ખોટો ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારે આ પત્રકાર સહિત અન્ય પત્રકારો દ્વારા વિરોધ ઉભો કરવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીઓ દ્વારા ચલાવાઈ રહેલા અનેક દવાખાનાઓ સામે તવાઇ આવવાના અણસાર આવી જતાં આ તમામ બોગસ તબીબો ગુજરાત છોડીને ભાગી ગયા હતા.પરંતુ ત્યારબાદ થોડા વર્ષો જતા ફરીથી અન્ય કેટલાક બોગસ તબીબો ફતેપુરા તાલુકાની ગરીબ પ્રજાનો ગેરલાભ ઉઠાવવા સક્રિય થઇ ગયા હતા.અહીં એ પણ જણાવવું જરૂરી છે કે,ફતેપુરા તાલુકામાં બોગસ તબીબો દ્વારા ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ચેડા થાય છે તે નવી નવાઈની વાત નથી.પરંતુ તેની સામે આરોગ્ય તંત્ર ચૂપકીદી કેમ સેવે છે?તે પણ એક પ્રશ્ન છે. હાલમાં એક બોગસ તબીબ ઝડપાયો છે,પરંતુ હજી પણ તાલુકામાં તપાસ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અન્ય બોગસ તબીબો ઝડપાઈ શકે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.