Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પંદર વર્ષ જુના આર.સી.સી. રસ્તાને ખોદાણ કરી બંધ કરાયો..! ?

May 31, 2021
        946
ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પંદર વર્ષ જુના આર.સી.સી. રસ્તાને ખોદાણ કરી બંધ કરાયો..! ?

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પંદર વર્ષ જુના આર.સી.સી. રસ્તાને ખોદાણ કરી બંધ કરાયો..! ?

 જે.સી.બી.થી રસ્તો ખોદાણ કરાવનાર લોકો સામે તાલુકા તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ.

 સ્થાનિક કક્ષાએથી ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆતની ચીમકી.

 સરકારી સાર્વજનિક મિલકતને નુકશાન પહોંચાડનાર ઈસમો પાસે નાણાં ભરપાઇ કરાવી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૩૧

 

   ગ્રામીણ વિસ્તારોની પ્રજાને ભૌતિક સુવિધાઓના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.જેમાં કેટલીક જગ્યાએ જે-તે જવાબદારો દ્વારા નાણાંનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠે છે.જ્યારે કેટલીક જગ્યાએ કરવામાં આવતા ભૌગોલિક કામો પ્રત્યે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોનો વિકાસ ન થાય તેમાં માનતા કેટલાક તત્વો દ્વારા વાંધા વિરોધ ઉઠાવવામાં આવતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવે છે.જ્યારે હાલ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પંદર વર્ષ અગાઉ બનાવવામાં આવેલ જાહેર આર.સી.સી રસ્તાની કરવામાં આવેલ કામગીરીને જે.સી.બી મશીનથી ખોદાણ કરી રસ્તો બંધ કરી દેવામાં આવતા તેની તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.જો કે અહીંયાથી ન્યાય નહીં મળે તો તેની જિલ્લા થી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆત થનાર હોવાનું પણ જાણવા મળે છે.

    પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામના તળાવ ફળિયા તરફ જતો આશરે અઢીસો મીટર જેટલો રસ્તો ગત પંદર વર્ષ અગાઉ આર.સી.સી કરવામાં આવેલ હતો જે રસ્તા ઉપરથી લોકો અવર-જવર કરતા હતા. અને આ રસ્તાથી તળાવ ફળિયાના સ્થાનિકો, ધનજી માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ તથા નાની ઢઢેલી તરફ અવર-જવર કરતા રાહદારીઓ માટે અનુકૂળ હતો. જેમાં તળાવ ફળિયાના એકસો જેટલા સ્થાનિકો સહીત શાળામાં જતા વિદ્યાર્થીઓને તથા રાહદારીઓને રસ્તાના અભાવે અને ખાસ કરીને આ રસ્તો બંધ કરી દેવામાં આવતા માંદગી જેવા સંજોગોમાં દર્દીને સમયસર સારવાર માટે લઈ જવા અહીંના સ્થાનિક લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવાના સંજોગો ઉભા થયા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે. આ રસ્તાની તોડફોડ બાબતે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે,અમોએ આ બાબતે તપાસ માટે તલાટી કમ-મંત્રીને મોકલ્યા છે.જ્યારે તલાટી કમ-મંત્રીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,અમોએ આ રસ્તાની તોડફોડ બાબતે ટી.ડી.ઓ સાહેબને વિગતો મોકલી આપી છે.જ્યારે રજૂઆત કર્તાએ જણાવ્યું હતું કે,રસ્તાની તોડફોડ થઈ તે દિવસે નાયબ મામલતદાર સાહેબ સ્થળ ઉપર આવ્યા હતા.તે સિવાય અન્ય જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી નથી. કે રસ્તાની તોડફોડ કરનાર લોકો સામે ચાર દિવસ થવા છતાં હજી કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જણાવ્યું હતું.

  એક વ્યક્તિ ઉપર રોષના કારણે આખા ગામને બાનમાં ના લેવાય:ગ્રામજનો

 વર્ષોથી જાહેર રસ્તા તરીકે ઉપયોગમાં લેવાતા આ રસ્તા માટે કોઈ વાંધો વિરોધ થયેલ ન હતો. પરંતુ ગત ત્રણેક માસ આગાઉ ગામના જ બે પક્ષો વચ્ચે આ રસ્તાના નવીનીકરણ કામગીરી કરવા બાબતે તકરાર થતાં સામ-સામે કાયદેસરના ગુન્હા પણ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે બાબતને સ્થાનિક તળાવ ફળિયાના લોકો કે ગ્રામજનોને કોઈ નિસ્બત નથી. પરંતુ તેની અદાવત રાખી આ રસ્તો ખોદાણ કરી બંધ કરવામાં આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. જોકે તેમાં ગમે તે હોય પરંતુ ગામના એક વ્યક્તિના લીધે સરકારી જાહેર મિલકતને નુકસાન પહોંચાડી, આખા ગામને બાનમાં લેવામાં આવે તે યોગ્ય નથી.તેમ પણ જાગૃત ગ્રામજનોમાં ચર્ચા થતી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.

સરકારી જાહેર મિલકતને નુકસાન પહોંચાડનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી,નાણાં ભરપાઇ કરાવવા જોઈએ:રજૂઆત કર્તા

     ઉપરોક્ત રસ્તાની તોડફોડ કરવા બાબતે ગામનાજ પાંચ જેટલા લોકો સામે રજૂઆત કરવામાં આવી છે.અને જણાવ્યું છે કે, ૨૮.મે- ૨૦૨૧ ના રોજ પંદર વર્ષ જૂના જાહેર આર.સી.સી રસ્તાની તોડફોડ કરી સરકારી મિલકતને નુકશાન પહોંચાડનાર લોકો તેમજ જે.સી.બી માલિક સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.તેમજ આ લોકો પાસેથી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા તથા તેમાં મદદગારી કરનાર લોકો સામે તેની નુકસાનીના નાણા પણ ભરપાઈ કરાવવા જોઇએ.તેમજ આ બાબતે દિન-૭ માં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!