
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વમાં મહિલાની હત્યા કે કુદરતી મોત?ઘુંટાતું રહસ્ય.
મૃતક મહિલાના પરિવારજનો દ્વારા બીમારીના કારણે મોત નીપજ્યું હોવાનું બયાન.
મૃતક મહિલાના પિયરીયાઓએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પેનલ પી.એમ કરાયું.
મૃતક મહિલાને માથામાં ડાબી બાજુ ઈજાના કારણે મોત નિપજયુ હોવાનું પી.એમ કરનાર તબીબનુ પ્રાથમિક તારણ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૧
ફતેપુરા તાલુકામાં ચાલુ માસ દરમિયાન અનેક લોકો બીમારીના કારણે મોતને ભેટયા છે.જ્યારે કેટલાક બનાવોમાં શંકાસ્પદ મોત થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.જેમાં આજરોજ નીંદકાપૂર્વ ગામની ૪૫ વર્ષીય મહિલાનું મોત નિપજતા પિયરિયાઓ દ્વારા મહિલાની હત્યા થઈ હોવા બાબતની આશંકા વ્યક્ત કરતા પેનલ પી.એમ દરમિયાન મૃતક મહિલાને માથામાં ડાબી બાજુ ઇજાના કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવવા પામેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વિક્રમભાઈ તેરસીંગભાઈ મહિડા રહે.નીંદકાપૂર્વ (આમલીખેડા ફળીયા)નાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ગુરૂવાર રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં જણાવેલ કે, પોતાની માતા વનીતાબેન તેરસીંગભાઈ લાલાભાઇ મહીડા ઉં.વ..આ. ૪૫ નાઓને તાવ આવતાં દવાખાનામાં દવા સારવાર કરાવેલ હતી.અને સારવાર કરાવવા છતાં આરામ નહિ થતા કુદરતી રીતે મરણ ગયેલ હોવાની વિગત જણાવી જાણવાજોગ નોંધ કરાવી હતી.
ત્યારબાદ મૃતક મહિલા વનીતાબેન ના વાંકાનેર ગામે રહેતા પિયરિયાઓ દ્વારા આમલીખેડા ગામે જઇ તપાસ કરતા મૃતક મહિલાનું મોત કુદરતી રીતે નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવા બાબતે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.જેથી સુખસર પોલીસે લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલવાનો નિર્ણય કર્યો હતો. મૃતક મહિલાના પીએમ દરમિયાન પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.જ્યારે આજરોજ સુખસર સરકારી દવાખાનામાં મૃતક મહિલાનું પેનલ પી.એમ કરાતા મહિલાને માથામાં ડાબી બાજુ થયેલી ઈજાના કારણે મોત નિપજયુ હોવાનું પી.એમ કરનાર તબીબ દ્વારા પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. જોકે બીમારીના કારણે મોત નિપજયુ હોયતો મૃતક મહિલાને માથામાં ઇજા કેવી રીતે થઈ?અને હત્યા કરવામાં આવી હોય તો કોણે અને કયા કારણોસર કરી? હાલ તો આ પ્રશ્નો નિરુત્તર છે.પરંતુ સુખસર પી.એસ.આઇ એન.પી.સેલોત દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચલાવાઈ રહી હોવાનું જાણવા મળે છે.