
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં લગ્નના માંડવે આવેલા વરરાજાએ ચોથા મંગળીયે વરમાળા તોડી ભાગી છૂટયો….!?
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના એક યુવાનના તાલુકાના એક ગામની કન્યા સાથે એક વર્ષથી સગપણ થયેલું હતું.
વરરાજા બનીને આવેલા યુવાને ચોથા ફેરા બાદ તલવાર માંડવામાં નાખી જાનૈયાઓને મૂકી ભાગી જતા ચકચાર.
પોતાના લગ્નમાં માનહાનિ પામેલી કન્યાએ મંગેતર યુવાન દ્વારા એક વર્ષ સુધી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજ કરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૦
કહેવાય છે કે,સામાજિક રીતરિવાજ એ સમાજની લક્ષ્મણરેખા છે.અને આ રેખાની અંદર તમામ સમાજના સભ્યોએ રહેવાનું હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિ સામાજિક રેખાને ઓળંગે છે ત્યારે સમાજમાં રામાયણ સર્જાય છે. કેટલાક કિસ્સાઓમાં સગપણ થયા બાદ કન્યા અન્ય જગ્યાએ ભાગી છૂટવાના બનાવો બનતા હોય તેમાં નવીનતા નથી.પરંતુ હાલ ફતેપુરા તાલુકામાં મંગળફેરા ફરતા માંડવા નીચેથી વરરાજા ભાગી છૂટતો હોય અને ફિલ્મી સ્ટોરીને પણ લજવે તેવો વિચિત્ર કિસ્સો ફતેપુરા તાલુકામાં બનવા પામેલ છે.જે કિસ્સો કદાચ દાહોદ જિલ્લામાં અને ગુજરાતમાં આજ દિન સુધીમાં પહેલો હોઈ શકે! લગ્નના માંડવા નીચે પહોંચેલી કન્યા સહીત તેના પરિવારની માનહાનિ થતા કન્યાએ સુખસર પોલીસ સ્ટેશનમાં માનહાનિ સહીત લગ્નની લાલચ આપી મંગેતર યુવાન દ્વારા સતત એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવા બાબતે લેખિત ફરિયાદ આપી ન્યાયના દરવાજા ખટખટાવ્યા હોવાનું જાણવા મળે છે.
સપ્તપદીના ફેરા દરમ્યાન તલવાર માંડવામાં ફેંકી વરરાજા જાનૈયાઓને મૂકી ભાગ્યો: સગપણના એક વર્ષ દરમિયાન શારીરિક શોષણ કર્યાનો યુવતીનો આક્ષેપ
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના નાનીપચોર ફળિયામાં રહેતા સૌરવભાઈ વિનોદભાઈ ભાભોરનું એક વર્ષ અગાઉ ફતેપુરા તાલુકાનાજ એક ગામની ૧૯ વર્ષીય કન્યા સાથે સમાજના રિવાજ મુજબ સગપણ થયું હતું.ત્યારબાદ મંગેતર યુવાન દ્વારા કન્યાને એક વર્ષ સુધી લગ્નની લાલચ આપી પોતાની સાથે ફેરવી કન્યાનું શારીરિક શોષણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ફરિયાદી કન્યા દ્વારા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી વિગતો મુજબ મારગાળા ગામેથી ગત તારીખ ૫ એપ્રિલ-૨૦૨૧ ના રોજ વાજતે-ગાજતે જાન લઇ જાનૈયા ઓ કન્યાના ઘરે પહોંચી ગયા હતા.ત્યારબાદ સમાજના રિવાજ મુજબ મંગળફેરા ચાલુ કરવામાં આવ્યા હતા. અને ભોજનની પણ તૈયારી થઈ ગઈ હતી.અને વર-કન્યા પક્ષ મંગળ ગીતો ગાતા હતા.અને ડી.જે.ના તાલે ઝુમી રહ્યા હતા.ચોથા ફેરા બાદ પાંચમા મંગળીએ કન્યાને આગળ રાખવામાં આવે છે.તેવી જ રીતે કન્યાને માંડવા નીચે વરની આગળ કરી મંગળફેરા ચાલુ કરવામાં આવ્યા.તેવા જ સમયે વરરાજા સમાજના રિવાજ મુજબ હાથમાં તલવાર રાખે છે.તે તલવાર માંડવા નીચે ફેંકી દઈ વરરાજા માંડવા નીચે થી ભાગી છૂટ્યો હતો ! જોકે આ વરરાજા મંગળફેરા સમયે જ કન્યાને છોડી કેમ ભાગી છૂટયો ?તે પ્રશ્ન હજી પણ નિરુત્તર રહ્યો છે.જોકે માંડવા નીચેથી ભાગી છૂટેલા વરરાજાને મનાવવા માટે એક મહિના જેટલો સમય સમજાવવા છતાં હવે આ કન્યા મારે જોઈતી નથી નું રટણ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે બીજી બાજુ કન્યા સહિત તેના પરિવારમાં કન્યા અને તેના પરિવારને માનહાનિ થતા આખરે હારી થાકીને આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં માનહાનિ સહિત શારીરિક શોષણ બાબતે કન્યાએ લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
વરરાજાનો લગ્ન સમારંભની વચ્ચે ભાગવાનો કારણ અકબંધ: પરિવારજનોના એક મહિનાના સમાધાનના પ્રયાસો બાદ યુવતીએ ન્યાયના દ્વાર ખટખટાવ્યા
જોકે આ કિસ્સામાં વર માંડવા નીચેથી કન્યાને મૂકી કેમ ભાગી છૂટયો? તેની ચર્ચા તાલુકામા ટોક ઓફ ટાઉન બનવા પામેલ છે.પરંતુ વરરાજા માંડવા નીચેથી કયા કારણસર ભાગી છૂટયો તેમાં કારણ ગમે તે હોય પરંતુ આવો કિસ્સો બનતા કન્યા તથા તેના પરિવારની બદનામીની પીડા અસહ્ય હોય તે સમજી શકાય તેવી બાબત છે.