
બાબુ સોલંકી :- સુખસર
- સુખસરના આડતિયા દ્વારા લગ્ન કરી આપવાની લાલચ આપી બે યુવાનો સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી !
- લગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનેલા પ્રજાપતિ સમાજના યુવાનોમાં એક ઝાલોદનો તથા બીજો લીંબડીનો વતની.
- સુખસરના આડતિયાને રાજસ્થાનના પીઠ સીમલવાડાના ગઠિયાઓએ શીશામાં ઉતારી પાંચ લાખ રૂપિયા પડાવી રફુચક્કર.
- લગ્નના નામે નાણાં ગુમાવનાર યુવાનો દ્વારા અડતીયા પાસે નાણાની ઉઘરાણી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૮
ફતેપુરા તાલુકાના સુખસરમાં રહેતા એક આડતીયા દ્વારા ઝાલોદ તથા લીમડીના સબંધીઓના પુત્રના લગ્ન કરાવી આપવાની બાહેધરી આપી રાજસ્થાન પીઠ-સીમલવાડા બાજુના ઇસમોનો સંપર્ક કરતા કન્યાઓ બતાવી કન્યાઓને વળાવી આપવાનું નક્કી થતા બે કન્યાના નક્કી થયેલ નાણા પડાવી છેતરપિંડી નો શિકાર બનાવતી રાજસ્થાની ટોળકી ફરાર થઈ જવા પામેલ હોવાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં રહેતા એક આડતીયા દ્વારા પોતાના સંબંધી એવા એક ઝાલોદના તથા બીજા લીંબડીના મસીયાઈ ભાઈઓને લગ્ન કરાવી આપવાની લાલચ આપી એક કન્યાના અઢી લાખ રૂપિયા લેખે બે કન્યાના પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.ત્યારબાદ છેતરપિંડીનો શિકાર બનાવતી રાજસ્થાની ટોળકી ઝાલોદ તથા લીમડી ગામે છોકરાઓના મકાનો જોવા પણ આવી હતી.ત્યારબાદ નક્કી થયેલ નાણામાંથી કન્યાના કપડાં વગેરે માટે પચાસ-પચાસ હજાર રૂપિયા કહેવાતા છોકરી પક્ષવાળાઓ છોકરા પક્ષ પાસેથી લઈ ગયા હતા.ત્યારબાદ છોકરી પક્ષવાળાઓએ જણાવેલ કે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આપણે વધારે માણસો ભેગા કરવાના નથી અને તમો મંગળવારે ચારથી પાંચ માણસો પીઠ ખાતે આવજો અને મંદિરમાં વિધિ બાદ તમોને આ બંને કન્યાઓ વળાવી આપીશું.તેમ જણાવી સુખસરના આડતિયા સાથે ઝાલોદ તથા લીમડીના બે યુવાનોને રાજસ્થાનના પીઠ સીમલવાડા ખાતે બોલાવેલ.ત્યારબાદ કન્યાઓના દહેજ પેટે નક્કી થયેલ રોકડ રકમ પૈકી બાકીની રકમ બે-બે લાખ રૂપિયા રાજસ્થાની ટોળકીએ સુખસરના આડતિયાની હાજરીમાં લીધેલ.ત્યારબાદ બંને કન્યાઓને બોલાવી લગ્નની સામાન્ય વિધિ પતાવ્યા બાદ રાજસ્થાની ટોળકીએ જણાવેલ કે હાલમાં લોકડાઉન ચાલે છે.અને તમો હમણાં આવ્યા હતા અને પરત છોકરીઓ લઈને જશો તો તમને આગળ પોલીસ ચોકી ઉપર પકડી લેશે. માટે તમો તમારી ગાડી ઉપર જાઓ અને અમો અમારી ગાડી ઉપર આ છોકરીઓને તમારી સાથે લઈ થોડે સુધી મુકવા આવી શું.તેમ જણાવી ઝાલોદ તથા લીમડીના જાનૈયાઓને રવાના કરેલ.જોકે આ બે કન્યાઓને કહેવાતા પિયરીયાઓએ તેમની ગાડીમાં બેસાડી થોડે સુધી કન્યાઓને મુકવા આવવાના બહાના હેઠળ જોતજોતામાં કન્યાઓને મુકવા આવનાર ઈસમ સાથેની ગાડી પીઠ ગામની કોઈક ગલીમાંથી ફરાર થઈ ગયા હતા. જેથી આ બંને યુવાનો સહિત તેમના સંબંધીને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યા હોવાનો અહેસાસ થતાં બંને વરરાજાઓ સહિત તેમના સંબંધીઓ અને અડતિયાના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી.અને વીલા મોઢે લીલા તોરણે પાછા ફર્યા હતા. હાલ તો આ છેતરપિંડી નો શિકાર બનેલા બંને વરરાજાઓ સહિત તેમના સંબંધીઓ સુખસરના આડતિયા પાસે નાણાંની માગણી કરી રહ્યા છે.