Monday, 27/06/2022
Dark Mode

ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં ચાલતા લોલમલોલ વહીવટથી બાળ તથા મહિલા લાભાર્થીઓ મળવાપાત્ર લાભથી વંચિત

May 17, 2022
        1122
ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં ચાલતા લોલમલોલ વહીવટથી બાળ તથા મહિલા લાભાર્થીઓ મળવાપાત્ર લાભથી વંચિત

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં ચાલતા લોલમલોલ વહીવટથી બાળ તથા મહિલા લાભાર્થીઓ મળવાપાત્ર લાભથી વંચિત

ફતેપુરા તાલુકામાં વહીવટી તંત્રની બેદરકારીથી બાળકો, સગર્ભા બહેનો તથા ધાત્રી બહેનો માટે આવતા વિવિધ લાભો લાભાર્થીઓ સુધી નહી પહોંચતા હોવાની બૂમો.

કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં આવતા ઘઉં,ચોખા,તેલ તથા પૌષ્ટિક આહાર બારોબાર પગ કરી જતા હોવાની ઉઠેલી ફરિયાદો.

અનેક આગણવાડી સંચાલિકા બહેનો દ્વારા આંગણવાડીમાં આવતી ચીજવસ્તુઓ આગણવાડીમા રાખવાના બદલે પોતાના ઘરે મુકતા હોવાની ચર્ચા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.17

દેશના બાળકો ગર્ભથીજ મજબૂત જન્મે અને તેઓ કોઈપણ પ્રકારના રોગના શિકાર બને નહિ અને નવજાત શિશુ કુપોષિત રહે નહી તે હેતુથી સગર્ભા તથા ધાત્રી બહેનનો પાછળ રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.તેમજ બાળકોને પાયાનું શિક્ષણ અને કેળવણી બાળપણથીજ મળી રહે તે હેતુથી આગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.ત્યારે ફતેપુરા તાલુકામાં વર્ષોવર્ષ આગણવાડી કેન્દ્રોનો વહીવટ કથળતો જાય છે.જેના લીધે બાળકો, સગર્ભા તથા ધાત્રી બહેનોને મળવાપાત્ર લાભો આપવા માટે આંગણવાડી કેન્દ્રની સંચાલિકા બહેનો ના મનસ્વી વહીવટ અને તાલુકા-જિલ્લાના આંગણવાડી કેન્દ્રો સાથે સંકળાયેલા તંત્રોની બેદરકારીથી સરકારી એટલે કે પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.તે નિર્વિવાદ બાબત છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ધટક એક તથા ઘટક બેમાં અઢીસો ઉપરાંત આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જે પૈકી કેટલાક આંગણવાડી કેન્દ્રોને બાદ કરતા મોટાભાગના આંગણવાડી કેન્દ્રોમાં લોલમલોલ વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે.તેમાં જોઈએ તો આગણવાડી સંચાલિકા બહેનો દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ મળવું જોઈએ તે આપવામાં આવતું નથી.અને બાળકોને મેનુ પ્રમાણે ભોજન નહી આપી માત્ર તૈયાર સુખડી આપી રવાના કરી દેવાતા હોવાનું જોવા અને સાંભળવા મળે છે. જ્યારે બાળકોને ગરમ નાસ્તો તથા ફળફળાદી આપવાનો જે નિયમ છે તે આપવામાં આવતા નથી.અને તેના બોગસ બિલો લાવી તાલુકા કક્ષાએ બિલ પાસ કરાવી લેવામાં આવતા હોવાનુ અને આ બિલની રકમના નાણાં આંગણવાડી સંચાલિકા તથા તંત્રના જવાબદાર દ્વારા ભાગ બટાઈ કરી લેવામાં આવતી હોવાની ચર્ચાઓ પણ વર્ષોથી સાંભળવા મળતી આવી રહેલ છે.તદુપરાંત બાળકો સંગર્ભા અને ધાત્રી બહેનોને આંગણવાડીના માધ્યમથી ફાળવવામાં આવતા ઘઉં ચોખા તથા તેલ કયા રસ્તેથી પગ કરી જાય છે તેનાથી આ લાભાર્થીઓ અજાણ છે.મોટાભાગની આંગણવાડી કેન્દ્રોમાં જતા બાળકો માત્ર એટલું જ જાણે છે કે ,આંગણવાડી કેન્દ્રમાં નાસ્તો મળે છે અને તેજ લેવા જવાનું હોય છે.તે સિવાય શિક્ષણ અને કેળવણી જેવી બાબતોથી બાળકો અજાણ છે.

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,આંગણવાડી કેન્દ્રોમાં આવતી ચીજવસ્તુઓ આંગણવાડી કેન્દ્રમાં રાખવાની હોય છે.અને ઉપલી કક્ષાએથી તપાસ આવે તો પૂર્તતા કરવાની હોય છે.તેમ છતાં કેટલાક આંગણવાડી સંચાલિકા બહેનો આગણવાડીની ચિજવસ્તુઓ પોતાના ઘરમાં રાખતી હોય છે.અને કેટલાક આગણવાડી કેન્દ્રોમાં આગણવાડી સંચાલિકા બહેનો દ્વારા બાળકો, સગર્ભા અને ધાત્રી બહેનોનો માટે કેટલી ચીજવસ્તુઓ આવી તેની જાણ ગામ કે બાળકોને તો ઠીક પરંતુ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી આંગણવાડી તેડાગર બહેનોને પણ પડવા દેવામાં આવતી નથી.અને આ ચીજ વસ્તુઓ ક્યાં જાય છે તેનો પણ પત્તો મળતો નથી.

જો કે તાલુકામાં કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે આવતા પૌષ્ટિક આહારના પાઉચ પશુઓને ખવડાવવાના ઉપયોગમાં લેવાતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જ્યારે દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને અપાતા દુધ નો વેડફાટ થતો હોવાનું પણ જાણવા મળે છે.તેમાં આગાઉ ફતેપુરા તાલુકાના મારગાળા ગામેથી દૂધ સંજીવની યોજનાના પાઉચ બિન વારસી જાહેર રસ્તાની બાજુ માંથી જથ્થો ફેંકી દેવાયેલ મળી આવ્યો હતો.જ્યારે હાલ પાટી ગામેથી દૂધ સંજીવની યોજનાના પાઉચો મળી આવ્યા છે.ત્યારે આંગણવાડી કેન્દ્રો દ્વારા આ યોજના દ્વારા મળતા દૂધ સંજીવની યોજનાના દૂધનો કેટલો સદ્ ઉપયોગ થાય છે?તે પણ એક સવાલ છે.તેમજ તાલુકામાં અનેક આંગણવાડી કેન્દ્રો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે.કેટલીક આંગણવાડી કેન્દ્રોમાં સરકાર દ્વારા આપવામાં આવતી ચીજવસ્તુઓમાં થતી ગોબાચારી ત્યારે જ શક્ય બને જ્યારે ઉપલા અધિકારીઓ અમારુ શું જાય છે? સબ ચલતા હૈ, ની નીતિ અપનાવતા હોય ત્યારે અથવા તો ગોટાળા આચરવામાં તેમની સહભાગીદારી હોય,તે સિવાય આંગણવાડી વર્કરો પોતાની મરજી પ્રમાણે મનમાની ચલાવી આંગણવાડીનુ સંચાલન કરી નિડરતાથી કહેવાતી ફરજ બજાવે તે ક્યારેય શક્ય નથી!

ઉલ્લેખનીય બાબત છે કે,ચાલુ માસ દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા બાળકો,સગર્ભા તથા ધાત્રી બહેનોને આપવા માટે તેલ સહિતની ચીજવસ્તુઓ આવેલ છે.અને તે જે-તે લાભાર્થીને સમય મર્યાદામાં આપવાની હોય છે.ત્યારે આ ચીજ વસ્તુઓ કઈ તારીખે,કોને,કેટલી આપવામાં આવી અને જે-તે લાભાર્થી બાળકો અને બહેનોને આ લાભ આપવામાં આવ્યો હોય તેની રૂબરૂ મુલાકાત લઇ તપાસ હાથ ધરવામાં આવે તો સાચી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!