
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં કોરોનાવાયરસના પ્રતિકાર માટે આગોતરૂ આયોજન જરૂરી.
ભવિષ્યના આયોજન માટે જંગલ ખાતાની તથા ખેડૂતોની જમીનમાં ફરજિયાત વૃક્ષોનું વાવેતર થાય તથા તેની માવજત કરવામા આવે તેવી સરકારી તંત્રોની સજાગતા હોવી જરૂરી છે.
હાલ ઊભી થયેલી તથા કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા સ્થાનિક સરકારી દવાખાનાઓમાં ઓક્સિજનના બોટલોની વ્યવસ્થા ફરજિયાત જોઈએ.
તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં આવેલ ૧૫.મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ઓક્સિજનના એક-એક બોટલ આપવા ગ્રામ ગ્રામપંચાયતોએ આગળ આવવું જરૂરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૬
દેશ અને ગુજરાતમાં કોરોના ચેપના કારણે સ્થિતિ કથળી રહી છે. ત્યારે ફતેપુરા તાલુકામાં પણ દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતાં જાય છે.સ્થાનિક જગ્યાએ ઓક્સિજન તથા વેન્ટિલેટરના અભાવે બહારના દવાખાનાઓમાં સારવાર કરાવવા માટે જાય છે. જ્યાં સમયસર ઓક્સિજન તથા વેન્ટિલેટર ન મળવાના કારણે કેટલાક લોકો મોતને ભેટી રહ્યા છે.બીજી બાજુ વિશ્વભરમાંથી ભારતને મદદ આપવામાં આવી રહી છે.તેમજ કેટલાક દેશોમાંથી મેડિકલ ડિવાઇસીઝ અને દવાઓ પણ આવી છે.જેમાં ઓક્સિજન કન્સેન્ટર્સ, વેન્ટિલેટર,ઓક્સિજન સિલિન્ડર, બેડ સાઈડ મોનિટર્સ,ગોગલ માસ્ક, પલ્સ ઓક્સીમીટર, પરીક્ષણ કીટ્સ તેમજ રેમડેસીવીર નો સમાવેશ થાય છે.
ગત વર્ષે જુન-જુલાઈમાં કોરોનાની પહેલી લહેર વકરી હતી. જેમાં નોંધાયેલા કેસો પૈકી તાલુકાના કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવા ના દાખલા મોજૂદ છે. અને તે પછી પણ ખાસ કોઈ તકેદારીના પગલા ભરાયા નથી. જેના લીધે બીજી લહેર માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજી લહેરની શરૂઆત થઈ અને જે કેસ નોંધાયા તેમાંથી અનેક લોકો ઓક્સિજન તથા વેન્ટિલેટરના અભાવે મોતને પણ ભેટ્યા છે.અને હજી પણ ફતેપુરા તાલુકામાં કોરોનાના કેસો વધતા જતા હોવાનું જાણવા મળે છે. ત્યારે જાણકારોના મતે કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના જણાઈ રહી છે.ત્યારે તેને પહોંચી વળવા વહીવટી તંત્રો સહિત પ્રજા શું તકેદારી રાખે છે તેના ઉપર આધાર છે. પરંતુ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારી રાખવી ખૂબ જ જરૂરી જણાય છે. તેમજ આવા રોગચાળા સામે પ્રતિકાર કરવા સરકાર દ્વારા આગોતરૂ આયોજન થાય તે પણ આવશ્યક છે.
તાલુકામાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે પરંતુ જંગલોનો નાશ થતા હાલ માત્ર બોડા ડુંગર નજરે પડે છે જંગલોનો આડેધડ નાશ થઈ રહ્યો છે પૃથ્વીના ફેફસા ગણાતા વૃક્ષ નો નાશ થતાં વાતાવરણમાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે વાતાવરણ માટે ખતરા રૂપ બન્યો છે તેમજ વૃક્ષોના નિકંદન ને કારણે તેમજ માનવસર્જીત ઉદ્યોગોથી અંગાર વાયુ નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે આમ મોટા ભાગની આપત્તિઓ માણસ પોતાના હાથે કરીને ઊભી કરે છે જંગલ વિસ્તાર સહિત ખેડૂતો વૃક્ષો નું વાવેતર કરી માવજત કરે તો પ્રજાને કુદરતી ઓક્સિજન વાયુ મેળવવા દવાખાનાઓમાં લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવો નહીં પડે.
ઓક્સિજનની આવશ્યકતા માટે લાંબાગાળાના આયોજન માટે જંગલખાતાની તથા ખેડૂતોની જમીનમાં ફરજિયાત વૃક્ષોનું વાવેતર થાય તથા તેની માવજત કરવામાં આવે તેની સરકાર સજાગતા રાખે તો ભવિષ્યમાં ઉભી થનાર પાણીની સમસ્યા,કમોસમી વાતાવરણ સહિત ઓક્સિજનની હાડમારી નિવારી શકાય તેમાં કોઈ બેમત નથી.
હાલ કોરોનાની બીજી લહેર નો તબક્કો ચાલી રહ્યો છે જેમાં અનેક લોકો કોરોના ની ઝપટમાં આવ્યા છે જેમાંથી કેટલાક લોકોએ ઓક્સિજન અથવા તો વેન્ટિલેટર ના અભાવે જીવ ગુમાવ્યા છે તેમજ અનેક લોકો ને ઓક્સિજનની જરૂર પડતા અમદાવાદ બરોડા તેમજ અન્ય જગ્યાના ખાનગી દવાખાનાઓમાં લાખો રૂપિયા ખર્ચ કરી સાજા પણ થયા છે. અને આવી મહામારી ના સમયે સમયસર લોકોને સારવાર મેળવવા મોટી મુશ્કેલી ઊભી થાય છે ત્યારે હાલ ઊભી થયેલી અને કદાચ આવનાર સમયમાં ઉભી થનાર ઓક્સિજન માટેની સમસ્યા હલ કરવા માટે તાલુકાના સરકારી દવાખાનાઓમાં ઓક્સિજન બોટલો હોવા જરૂરી છે ત્યારે પ્રજાની સુખાકારી અને વિકાસ કામો માટે ગ્રામ પંચાયતોને ૧૫ મા નાણાપંચની ગ્રાન્ટ નાણાં ફાળવી આપવામાં આવેલ છે જે પૈકી માત્ર એક-એક લાખ રૂપિયા ઓક્સિજન બોટલ માટે દરેક ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવે તો લગભગ ૬૬ જેટલા ઓક્સિજન બોટલની સુવિધા થઈ શકે અને તાલુકામાં સ્થાનિક જગ્યાએ પ્રજાને સુવિધા મળી રહે.તેમજ અનેક લોકોની જિંદગી બચી શકે તે પ્રત્યે પણ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોએ આગળ આવવું જરૂરી જણાય છે. પરંતુ તેના માટે ગ્રામ પંચાયતની પહેલ જરૂરી છે.અને આવો વિચાર અમલમાં મૂકવામાં આવશે તો ગુજરાત અને કદાચ ભારતમાં ફતેપુરા તાલુકો પહેલ માટે પ્રથમ હશે તેવું પણ જણાય છે.