
બાબુ સોલંકી :- સુખસર
દાહોદ જિલ્લા એસ.ટી (નિવૃત્ત) કર્મચારી પેન્શનર સેવા મંડળ દ્વારા કંબોઈ ધામ ખાતે બેઠકનું આયોજન કરાયું.
ગુજરાત એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓ સાથે કરવામાં આવતા અન્યાય બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સરકારના વર્ષ-2020 ના પરિપત્ર મુજબ બોર્ડ,કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલ કર્મચારીઓને મળવાપાત્ર પેન્શનનો અમલ કરવા સરકારની પાછીપાની કેમ?
સુખસર,તા.07
ગુજરાત એસ.ટી નિગમ માંથી નિવૃત્ત કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી મળવાપાત્ર પેન્શન માટે લાગતા-વળગતા તંત્રોને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા હોવા છતાં તેમની રજૂઆતો પ્રત્યે ધ્યાન નહીં અપાતા દાહોદ જિલ્લા એસ.ટી નિવૃત્ત કર્મચારી પેન્શન સેવા મંડળ દ્વારા આગામી સમયમાં દાહોદ જિલ્લાના લીંબડી પાસે આવેલ કંબોઈ ધામ ખાતે એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જેમાં મોટી સંખ્યામાં એસ.ટી ખાતાના નિવૃત્ત કર્મચારીઓ હાજર રહેનાર હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ગુજરાત એસ.ટી નિગમમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓને હાલમાં મળતું પેન્શન રૂપિયા 1000/-થી 1400/- સુધી મળી રહ્યું છે. જેથી નિવૃત્ત થયા બાદ જીવનનિર્વાહ ચલાવો કઠિન છે. જોકે એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા વર્ષ 2018 થી લાગતા-વળગતા તમામ તંત્રોને રજૂઆતો પણ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020માં પરિપત્ર જાહેર કરી તારીખ 01/03/2000 ઠરાવ ક્રમાંક પસન/102008/ડી-354/પી થી મળવાપાત્ર સો ટકા પેન્શનનો લાભ આપવા સરકાર દ્વારા ઠરાવવામાં આવેલ છે.છતાં તે પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવતું હોવાનું જાણવા મળે છે.ત્યારે એસ.ટી.નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના નિયમોનુસાર પરિપત્રના આધારે પેન્શન વધારો કરી આપવાની માંગ સાથે દાહોદ જિલ્લા એસ.ટી નિવૃત્ત કર્મચારી પેન્શન સેવા મંડળ સંજેલી દ્વારા પેન્શન વધારાના જે કાંઈ પ્રશ્નો હોય તેની આગળની ચર્ચા વિચારણા કરવા માટે બાયો ચડાવી છે.અને દાહોદ જિલ્લાના લીંમડી પાસે આવેલ કંબોઈ ધામ ખાતે તારીખ 15/04/ 2022 ના રોજ સવારના 10:00 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સરકાર સામે પેન્શન બાબતે પડતર પ્રશ્નો દૂર કરવાની માંગ કરવામાં આવશે.તેમજ જે કોઈ નિવૃત પેન્શનરોને પેન્શન બાબતે પ્રશ્નો હશે તે બાબતે ચર્ચા-વિચારણા કરી સરકાર સુધી પહોંચાડવા અને ન્યાય મેળવવા મંડળના પ્રમુખ સોમાભાઈ ડી. કટારા સંજેલી નાઓ દ્વારા જાણવા મળ્યું છે.
બોર્ડ નિગમોના નિવૃત્ત કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો પરિપત્ર શું કહે છે.?
રાજ્ય સરકારના જાહેર સાહસો જેવા કે બોર્ડ,કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલ કર્મચારીઓને એક તૃતીયાંશ પુનઃસ્થાપન પેન્શન પર વંચાણે લીધેલ ચાર અને પાંચ ઉપરના ઠરાવથી સાતમા પગાર પંચનો લાભ આપવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.આવા પ્રકારના વ્યક્તિગત પેન્શનરો અને તેમના મંડળોની 100% પેન્શનનું પુનઃસ્થાપનનો લાભ આપવાની રજૂઆતો,માંગણીઓ રાજ્ય સરકારને મળી હતી.તેના અનુસંધાને ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા તારીખ:21/03/2020 ના રોજ ઠરાવ ક્રમાંક પસન/102008/ડી-354/પી થી નાયબ સચિવ(પેન્શન અને તિજોરી) દ્વારા પેન્શનરોની વિનંતીને લક્ષમાં લઇને કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્ય સરકાર દ્વારા ઠરાવવામાં આવેલ છે કે,રાજ્ય સરકારના જે કર્મચારીઓ જાહેર હિતમાં જાહેર સાહસો,બોર્ડ,નિગમોમાં સમાવિષ્ટ થયેલ છે અને જેમને એક તૃતીયાંશ પુનઃસ્થાપન પેન્શન મળે છે.તેઓને હવે સો ટકા પેન્શનનું પુન:સ્થાપનનો (restoretion of full pension) લાભ આપવાનો રહેશે.આ લાભ તારીખ 01/03/2000 થી મળવાપાત્ર છે તથા અગાઉના સમયગાળા માટે કોઈ એરિયર્સ મળવાપાત્ર થશે નહીં.તેવો પરિપત્ર પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હોવા છતાં એસટી નિગમના કર્મચારીઓને થતાં અન્ય સંદર્ભે એસ.ટી નિગમના કર્મચારીઓ વર્ષોથી પોતાની માગણી સંતોષાય તે હેતુથી રજૂઆતો માટે દર દરની ઠોકરો ખાતા હોવાનું જાણવા મળે છે.