બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરથી બલૈયા ક્રોસિંગ સુધીના હાઇવે માર્ગ ઉપર નાના-મોટા ખાડાઓના લીધે વાહન ચાલકો ત્રાહિમામ.
હાઇવે માર્ગ ઉપર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનો સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે.
હાઇવે માર્ગની નવીનીકરણ કામગીરી ચાલુ છે,પરંતુ હાલમાં ખાડાઓના લીધે વાહનોને નુકસાન થાય,અકસ્માતમાં જાનહાની થાય તેના માટે જવાબદાર કોણ.?વાહન ચાલકોનો સળગતો સવાલ.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધ્યાન આપી સુખસર બસ સ્ટેશનથી બલૈયા ક્રોસિંગ સુધી જતા હાઇવે માર્ગ ઉપર પડેલા ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાણ કરવા વાહન ચાલકોની માંગ.
સુખસર,તા.21
ઝાલોદ થી સુખસર થઈ સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર સુખસર બસ સ્ટેશનથી બલૈયા ક્રોસિંગ સુધીના માર્ગ ઉપર નાના-મોટા ખાડાઓ પડી જવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.તેમજ આ ખાડાઓમાં પાણીના ભરાવાના કારણે ખાડાઓ નજરે નહીં પડતા ટુ-વ્હીલર વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે.જેમાં વાહન ચાલકો ઇજાઓના શિકાર પણ બની રહ્યા છે. તેમજ નાની-મોટી ગાડીઓને નુકસાન પણ થઈ રહ્યું છે.ત્યારે સુખસર બસ સ્ટેશનથી લઈ બલૈયા ક્રોસિંગ સુધીના હાઇવે માર્ગ ઉપર પડેલા નાના-મોટા ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરાણ કરવા પ્રત્યે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક ધોરણે ધ્યાન આપે તેવી વાહન ચાલકોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા હાઇવે માર્ગ ઉપર સુખસર બસ સ્ટેશનથી બલૈયા ક્રોસિંગ સુધીના ત્રણ કિલોમીટર જેટલા માર્ગ ઉપર હાલમાં નાના-મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જોકે હાલ વરસાદી દિવસોમાં આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા ટુ-વ્હીલર વાહનો સ્લીપ થવાના અને આ રસ્તાથી અજાણ્યા મોટા વાહન ચાલકો ના વાહનોને નુકસાન થવાના તેમજ વાહન મુસાફરી કરતા લોકોને શારીરિક સમસ્યા થવાના બનાવો વધી જવા પામ્યા છે.જોકે હાલ આ માર્ગની નવીનીકરણ કામગીરી મંથરગતિએ ચાલી રહી છે.પરંતુ તે કામગીરીને પૂર્ણ થતા હજી મહિનાઓનો સમય વીતી જશે.ત્યારે હાલમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ખાડાઓનું પુરાણ કરવા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધી ક્યારેક ક્યારેક કાંકરી-રેતીનું પુરાણ કરી સંતોષ માની બેસી જાય છે. પરંતુ તે કરવામાં આવેલ પુરાણ આઠ દિવસ પણ રહેતું ન હોય ખાડાઓ પોતાની યથા સ્થિતિમાં આવી જાય છે.અને વાહન ચાલકો અને સ્થાનિક લોકોનો પ્રશ્ન કાયમી સળગતો રહે છે.ત્યારે આ રસ્તાની નવીનીકરણ કામગીરી થાય ત્યાં સુધી કરવામાં આવેલ પુરાણ જળવાઈ રહે તેવી સારી ક્વોલિટીનું મટીરીયલ્સ વાપરવામાં આવે તે પણ ખાસ જરૂરી છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,સુખસર બસ સ્ટેશનથી આસપુર ચોકડી સુધીનો માર્ગ જમીન લેવલથી થોડી ઊંચાઈએ હોય ચોમાસાના વરસાદી પાણી બંને સાઈડની દુકાનો અને રહેણાંક મકાનોમાં ભરાઈ જતા અહીંયાના સ્થાનિક લોકો હજારો રૂપિયાનું નુકસાન વર્ષો વર્ષ ભોગવતા આવેલ છે.તેમજ અહીંયા પાણીના ભરાવાના કારણે ચોમાસાના સમયે માખી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે.ત્યારે મચ્છરજન્ય રોગો ફાટી નીકળવાની દહેસત પણ ઉભી થાય છે.ત્યારે સુખસર બસ સ્ટેશનથી લઈ આસપુર ચોકડી સુધીના રસ્તાની નવીનીકરણ કામગીરી કરતા પહેલા આ રસ્તો ખોદાણ કરવામાં આવે અને ત્યારબાદ તેની નવીનીકરણ કામગીરી થાય સાથે-સાથે વરસાદી પાણીના ભરાવાના કાયમી પ્રશ્નના નિરાકરણ માટે અને સ્થાનિકોના વપરાશના પાણીના નિકાલ માટે રસ્તાની સાઈડમાં ગટર લાઈન બનાવવામાં આવે તેવી પણ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.