
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 24 વર્ષીય યુવાનના એક માસ આગાઉ થયેલ શંકાસ્પદ મોત સબંધે મૃતકના ભાઇ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત.
મૃતક યુવાન ગળેફાંસો ખાધેલ હાલતમાં અને ગુપ્ત ભાગે ઇજાઓના નિશાન સાથેની લાશ પોતાના ઘરમાંથી મળી આવી હતી.
સુખસર પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને એક માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવી હત્યાના બનાવને આત્મહત્યામા ખપાવવાની કોશિશ થતી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરાયો.
મૃતક યુવાનના મોતના થોડા કલાકો પહેલા પાડોશમાં રહેતા વ્યક્તિએ પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમે હાથે ફેક્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.
સુખસર,તા.05
ફતેપુરા તાલુકાના મારગાળા માં ગત 8 એપ્રિલ-2022ના રોજ એક 24 વર્ષીય યુવાનની ગળે ફાંસો ખાધેલી અને ગુપ્ત ભાગે ઇજાના નિશાન સાથેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.જે બાબતે મૃતકના પરિવાર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સુખસર પોલીસે સ્થળ ઉપર આવી લાશનો કબજો મેળવી એ.ડી દાખલ કરી હતી. ત્યારબાદ મૃતક યુવાનનું મોત ગળે ફાંસો ખાવાથી નહીં પરંતુ તેને માર મારી મોતને ઘાટ ઉતારી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકાવી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી હોવા બાબતે સુખસર પોલીસમાં કથિત આરોપીના નામ સાથે રજૂઆત કરી હતી.પરંતુ તે બાબતની સુખસર પોલીસ દ્વારા કોઈ તપાસ નહીં હાથ ધરાતા મૃતકના ભાઇ દ્વારા ઝાલોદ સી.પી.આઇ કચેરીથી લઈ અમદાવાદ હાઈકોર્ટ તથા ગાંધીનગર ગૃહ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના લીમઘાટી ફળીયામાં રહેતા ભરતભાઈ હીરાભાઈ ભાભોર ઉંમર વર્ષ આશરે 24 નાઓને પાડોશમાં રહેતા એક અન્ય પરિવારના વ્યક્તિ દ્વારા 8 એપ્રિલ-2022 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઝઘડો તકરાર કરી મારામારી કરી હાથે લાકડીનો ફટકો મારી ફેક્ચર કરી આપ્યું હતું.અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી ગયેલ હોવાની રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારબાદ 9 એપ્રિલ 2022 ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં ઘરના સભ્યોએ જાગી જોતા ભરતભાઈ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.જોકે ગળો ફાંસો ખાધેલ હાલત જોતા ભરતભાઈ પ્લાસ્ટીકની ખુરશીના ટેકા ઉપર બેઠેલા હોય તેમજ જમીન ઉપર પગ વળેલા હાલતમાં લાશ મળી આવી હતી.તેમજ ગુપ્ત ભાગે ઈજાઓના નિશાન પણ પી.એમ દરમ્યાન જણાઇ આવ્યા હતા.જ્યારે પોલીસે મૃતકના મોત બાબતે યોગ્ય તપાસ કરવાની હૈયાધારણા આપતા મૃતકના પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોએ લઈ જઇ અંતિમ સંસ્કાર કર્યા હતા.ત્યારબાદ ભરતભાઈના મોતના થોડા કલાકો પહેલા પાડોશમાં રહેતા એક વ્યક્તિ જોડે તકરાર થવા બાબતે તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે પોલીસને વાકેફ કરવામાં આવી હતી.તેમજ બનાવના દિવસ સહિત બનાવ બનતા સુધી કોના-કોના સાથે મૃતક ભરતભાઈને વાત થયેલ હતી તે જાણવા માટે કોલ ડિટેલ પણ પોલીસ દ્વારા કઢાવવામાં આવી હતી. કોલ ડીટેલ આવ્યા બાદ પણ પોલીસે કોઇ પણ જાતની તપાસ નહીં કરી શકદાર આરોપીને પોલીસ સ્ટેશન સિવાય અન્ય જગ્યાએ બોલાવી નિવેદન લઇ કાઢી મુકવામાં આવતા મૃતકના ભાઈએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની જરૂરત પડેલ હોવાનું પરિવારના સભ્યો દ્વારા જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે રજૂઆત કર્તાએ રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે,સુખસર પોલીસ દ્વારા હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરી ગુનેગારને છાવરવાની થતી કોશિશની તટસ્થ તપાસ કરી હત્યામાં સંડોવાયેલા આરોપી સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તે બાબતે ગૃહરાજ્યમંત્રી,પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર,રજીસ્ટાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ,રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર,આઈ.જી. પી પંચમહાલ રેન્જગોધરા,દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક,ડીવાયએસપી ઝાલોદ વિભાગ તથા ઝાલોદ સી.પી. આઈને મૃતકના ભાઇ મુકેશભાઈ હીરાભાઈ ભાભોરે રજૂઆત કરી ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી હોવાનું જાણવા મળે છે.