ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દે.બારીયા તાલુકાના વડોદર ગામના જંગલમાંથી પરિણીત મહિનાની લાશ મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા? ઘુટાતું રહસ્ય..
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાડોદર ગામના જંગલમાંથી એક પરણિત મહિલાની લાશ મળી આવતાં વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી હશે ? જેવા અનેક સવાલો સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ગામે રસુલપુર ગામે રહેતાં દક્ષાબેન ધર્મેન્દ્રકુમાર પટેલની લાશ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાડોદર ગામના જંગલમાંથી ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ મળી આવી હતી. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો દ્વારા આ મામલે નજીકની પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક દક્ષાબેનના મૃતદેહની નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. પંચમહાલની મહિલા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના વાડોદરના જંગલમાં કેવી રીતે આવી પહોંચી ? મહિલાએ આત્મહત્યા કરી હશે કે પછી તેની કોઈકે હત્યા કરી હશે ? જેવા અનેક સવાલો સ્થાનીક લોકો તેમજ પોલીસ તંત્રમાં ઉઠવા પામ્યાં છે.
આ સંબંધે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે રહેતાં સુમિત્રાબેન મુકેશભાઈ બારીઆએ પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.