દાહોદ તાલુકાના વિજાગઢમાં છ માસ પહેલા પ્રેમ લગ્ન કરેલા દંપતીએ જીવન ટૂંકાવ્યું..

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

દાહોદ તાલુકાના વિજાગઢમાં છ માસ પહેલા પ્રેમ લગ્ન કરેલા દંપતીએ જીવન ટૂંકાવ્યું..

 

યુવાન દંપતીએ અગમ્ય કારણોસર પાણી ભરેલા કુવામાં મોતને વ્હાલું કર્યું…

 

પ્રેમી યુગલે છ માસ પહેલા જ લગ્ન કર્યા બાદ કુવામાં ઝંપલાવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા…

 

ઘરેથી દવાખાને જવાનુ કહી નીકળેલા દંપતીની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર…

પોલીસે બન્ને પતિ પત્નીના મૃતદેહોને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી..

દાહોદ તા.૨૧

 

 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વીજાગઢ ગામે છ માસ પહેલા જ પ્રેમ લગ્ન કરનાર દંપતિએ અગમ્યકારણોસર ગામમાં આવેલ કુવામાં ઝંપલાવી મોત વ્હાલુ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પોલીસે બંન્નેના મૃતદેહોને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં

 ગત તા.૨૦મી મેના રોજ વહેલી સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ગામમાં રહેતાં હેમાંગભાઈ (હાર્દિકભાઈ) (ઉ.વ. ૨૦) અને તેમની પત્નિ સાધનાબેન (ઉ.વ. ૨૨) એમ બંન્ને જણાએ અગમ્યાકારણોસર ગામમાં આવેલ એક કુવામાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. યુવક અને યુવતીના પરિવારજનોમાં ઘટના સ્થળ પર આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંન્નેના મૃતદેહોને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં. છ માસ પહેલા જ પ્રેમલગ્ન કરનારા આ દંપતિએ કયાં કારણોસર આત્મહત્યા કરી તેનું હાલ સુધી સાચુ કારણ જાણવા મળ્યું નથી.

 આ સંબંધે મૃતક યુવક હેમાંગભાઈ (હાર્દિકભાઈ) ના પિતા રાકેશભાઈ કેશવભાઈ સોલંકીએ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article