Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આદિજાતિ મહાસંમેલનની તૈયારીને આખરી ઓપ

April 18, 2022
        717
દાહોદમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આદિજાતિ મહાસંમેલનની તૈયારીને આખરી ઓપ

સુમિત વણઝારા

દાહોદમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આદિજાતિ મહાસંમેલનની તૈયારીને આખરી ઓપ

 

આદિજાતિ મહાસંમેલનની વ્યવસ્થા અંગે માહિતી આપવા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ

 

સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ સહિત ૧૧૫ જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા

 

સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન

 

ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત ૩૦૦૦ થી વધુ પોલીસકર્મીઓની સઘન સુરક્ષા વ્યવસ્થામાં કાર્યક્રમ યોજાશે

 

કાર્યક્રમ સ્થળ ૨૦૦ જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે

 

ઐતિહાસિક મહાસંમેલનમાં સહભાગી થવા સામાન્ય નાગરિકોને ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવવામાં આવ્યું

દાહોદ, તા. ૧૮ :

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે, દાહોદનાં ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે ત્યારે આ સંદર્ભમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તથા તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે માહિતગાર કરવા જિલ્લા સેવા સદન ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. 

 પત્રકાર પરિષદમાં સંબોધન કરતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, આગામી તા. ૨૦ ના રોજ પ્રધાનમંત્રીના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ‘આદિજાતિ મહાસંમેલન’માં પાંચ આદિજાતિ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સહભાગી થવાના છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિત વડોદરા ગ્રામ્યમાંથી પણ નાગરિકો સહભાગી થવા આવશે. 

 પ્રધાનમંત્રીશ્રી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રૂ. ૧૨૫૯.૬૪ કરોડના લોકાર્પણ કરશે તેમજ રૂ.૫૫૦ કરોડના ખાતમુહૂર્ત કરી આરંભ કરાવશે. તેમજ પંચમહાલ જિલ્લાના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત રેલ્વેની લગતી પણ મહત્વની જાહેરાત પ્રધાનમંત્રીશ્રી કરશે. કાર્યક્રમ ૧૨ થી ૧ દરમ્યાન શરૂ કરાશે. તેમજ પ્રધાનમંત્રીશ્રી ૩.૩૦ વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. તેમજ ૫ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. 

 કાર્યક્રમની વ્યવસ્થા માટે સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ સહિત ૧૧૫ જેટલા અધિકારીઓ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે જોડાયા છે. કાર્યક્રમ સ્થળે સહભાગી થનારા નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓનું ઝીણવટભર્યું આયોજન કરાયું છે. નાગરિકોને પાર્કિગથી લઇને કાર્યક્રમ સ્થળે પીવાના પાણીથી લઇને કોઇ પણ હેલ્થ ઇમરજન્સી માટેની પણ તમામ સુવિધાઓ કરાઇ છે. 

 કાર્યક્રમ વિશે સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ જણાવ્યું કે, કાર્યક્રમમાં સહભાગી થવા માટે બે અલગ અલગ રૂટ નક્કી કરાયા છે. જેમાં ઝાલોદ તરફથી તેમજ દાહોદ તરફથી આવનાર વાહનો માટે બસ અને કારની પાર્કિગની વ્યવસ્થા અલગ અલગ કરાયા છે. કાર્યક્રમ સ્થળની સુરક્ષા માટે ડીએફએમડી ગેટ રખાયા છે. ચેકીગ કર્યા પછી જ સ્થળ પ્રવેશ કરી શકાશે. તેમજ બહારથી કોઇ પણ વ્યક્તિને પાણીની બોટલ, લેડીઝ પર્સ, કોઇ પણ હથિયાર તેમજ જ્વલનશીલ પદાર્થ લઇ જઇ શકશે નહી. 

 તેમણે જણાવ્યું કે, મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે એક આઇજીપીશ્રી, ડીઆઇજીપીશ્રી ૨, એસપીશ્રી ૧૨, ડીવાયએસપીશ્રી ૩૬ તેમજ પીઆઇશ્રી ૧૦૦, પીએસઆઇ ૩૦૦ સહિત ૩૦૦૦ થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત કરાયો છે. જેમાં હોમગાર્ડના પણ ૭૦૦ જવાનોને સામેલ કરાશે. તેમજ એનએસજી, એટીએસ સહિત ચેતક કંમાડો યુનિટ સાથે પણ સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. 

 તેમણે ઉમેર્યું કે, કાર્યક્રમ સ્થળ ૨૦૦ જેટલા સીસીટીવીની બાજ નજરમાં રહેશે. તેમજ આ માટે કમાડં એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. ઉપરાંત તમામ રૂટ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીગ કરાઇ રહ્યું છે તેમજ પોલીસ બંદોબસ્ત કરાયો છે. ટ્રાફિક નિયમન માટે બફર ઝોન બનાવી ટ્રાફિકની વ્યવસ્થા કરાઇ છે. તેમજ કલર કોડ રખાયો છે. બસ સહિતના આવનારા ૧૭ હજારથી વધુ વાહનો માટે પાર્કિગ સહિતની તમામ વ્યવસ્થા કરાઇ છે. વાહન વ્યવસ્થા માટે કલેક્ટરશ્રીએ એક જાહેરનામું બહાર પાડીને વ્યવસ્થા જાહેર કરી છે. 

 

 જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ ઐતિહાસિક મહાસંમેલનમાં સહભાગી થવા સામાન્ય નાગરિકોને ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ માટે ગામથી લઇને તાલુકા લેવલે જુથ બનાવીને નાગરિકોને કાર્યક્રમ વિશે માહિતગાર કરાઇ રહ્યાં છે અને તેમને કાર્યક્રમમાં સંમેલિત થવા નિમંત્રણ અપાઇ રહ્યાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!