
મહીસાગરના પાણી છેક દાહોદનાં અંતરિયાળ ગામો સુધી પહોંચશે
દાહોદ અને મહીસાગરના ૨૮૭ ગામોના ૧૩.૦૫ લાખ વસ્તીને દૈનિક ૧૦૦ લીટરના ધોરણે મળશે શુદ્ધ પાણી
મહીસાગરના નીર બલ્ક પાઇપલાઇન જાળ પાથરીને દાહોદ સુધી પહોંચાડાશે
આગામી ૩૦ વર્ષ સુધીની પાણીની જરૂરીયાત સંતોષાય એ રીતે કડાણા ડેમ આધારીત પાણી પુરવઠા યોજનાનું રાજ્ય સરકારનું પાણીદાર આયોજન
૩ નવીન જુથ યોજનાઓ અંતર્ગત ૪૨૭ કીમી પાઇપલાઇન, ૧૧૨ ગ્રામ્ય કક્ષાના સમ્પ તેમજ ૬૦ ઊંચી ટાંકીઓ બનાવાશે
કડાણા ડેમ આધારિત બલ્ક પાઇપલાઇન યોજનાનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કરાવશે પ્રારંભ
રાજ્ય સરકાર દ્વારા અહીંના અંતરિયાળ આદિવાસી જિલ્લાઓના ૨૮૭ ગામોની પાણીની સમસ્યાનું કાયમી ઉકેલ આણતી કડાણા ડેમ આધારિત પાણી પુરવઠા યોજનાનું પાણીદાર આયોજન કરાયું છે. આગામી ૩૦ વર્ષ સુધી પણ વસ્તીનો ગુણાંક બદલાશે પરંતુ પાણીની કોઇ સમસ્યા નહી રહે તેવું સચોટ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.
રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમ આધારિત આ યોજના અંદાજે રૂ. ૪૦.૪૨ કરોડને ખર્ચે પૂર્ણ કરાશે. તેમજ પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૧૨૩.૮૮ કરોડને ખર્ચે સાકાર કરાશે. ઝાલોદ ઉત્તર જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૪૮.૭૦ કરોડને ખર્ચે સંપન્ન કરાશે. જયારે ઝાલોદ દક્ષીણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૯૪.૫૫ કરોડને ખર્ચે પૂર્ણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા મહીસાગર નદી પરના કડાણા જળાશય આધારિત દાહોદ અને મહીસાગર જિલ્લાના ૭ તાલુકાના ૨૮૭ ગામો માટેની કડાણા ડેમ આધારિત વિવિધ પાંચ બલ્કલાઇન યોજનાઓ તેમજ તે આધારીત ૧૦ વિવિધ જુથ યોજનાઓના કામો માટેનું નક્કર આયોજન કરાયું છે. આ યોજના થકી ૧૩.૦૫ લાખ વસ્તી માટે દૈનિક ૧૩ કરોડ લીટર શુદ્ધ પાણી વિતરણ માટેનું આયોજન કરાયું છે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, આ યોજના થકી દાહોદના ફતેપુરાના ૮૪ ગામો, ઝાલોદના ૭૬ ગામો, સંજેલીના ૧૭ ગામો, લીમખેડાના ૪૨ ગામો, સીંગવડના ૧૯ ગામો, દાહોદ તાલુકાના ૧ ગામ મળી જિલ્લાના કુલ ૨૩૯ ગામની ૧૧.૩૨ લાખની વસ્તી માટે ૧૧.૩૨ કરોડ લીટર પાણી દૈનિક ધોરણે પુરૂ પડાશે.
આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ૪૮ ગામોની ૧.૭૩ લાખ વસ્તી માટે દૈનિક ૧૭૩ કરોડ લીટર પાણી દૈનિક ધોરણે આપી શકાશે.
આ યોજનાનું અમલીકરણ પેકેજીસથી કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં કડાણા બલ્ક પાઇપલાઇનના કામો હાથમાં લેવાયા છે. જે પૈકી પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રથમ પેકેજના કામોનો પ્રારંભ કરાવશે.
જેમાં કડાણા બલ્ક પાઇપલાઇન યોજનાના સોર્સ તરીકે કડાણા જળાશયના ઉપરવાસમાં ભાણાસિમલ ગામે પાઇલ આધારિત ઇન્ટેક સ્ટ્રકચર ઊભું કરાશે. આ ઇન્ટેક સ્ટ્રકચર ઉપર વીટી પંપીગ મશીનરી બેસાડી ૬૦૦ મીમી વ્યાસની ૧૯ કીમી લાંબી પાઇપલાઇન મારફતે ભાણાસિમલ જુથ યોજનાના કાળીયા હેડવર્કસ સુધી દાહોદના ફતેપુરાના ૪૨ ગામો અને મહીસાગર જિલ્લાના સંતરામપુરના ૩ ગામો મળી કુલ ૪૫ ગામોની પાણીની જરૂરીયાત માથાદીઠ ૧૦૦ લીટર દૈનિક ધોરણે આપી શકાશે.
કડાણા બલ્ક પાઇપલાઇન કામ પૂર્ણ થયેથી તેના આધારીત જુથ યોજનાઓ થકી ૧૨૩ ગામો માટે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્વઢ થશે જયારે ૧૬૪ ગામો જે પોતાના સ્થાનિક સ્ત્રોત જેવા કે બોરકુવા, હેન્ડપંપ આધારિત હતા તે ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજના અંતર્ગત પાણી મળતું થશે.
આ બલ્ક પાઇપલાઇન આધારિત ૫૧ ગામોની ઝાલોદ ઉત્તર તથા ઝાલોદ દક્ષિણ યોજનાનો પ્રારંભ આગામી તા. ૨૦ એપ્રીલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દાહોદનાં ખરોડ ખાતેથી કરાવશે. તદ્દઉપરાંત, પાટાડુંગરી આધારિત ૩૯ ગામોની પાણી પુરવઠા યોજનાનો આરંભ કરાવશે. ઉક્ત તમામ યોજનાઓ પ્રધાનમંત્રીશ્રી દાહોદનાં ખરોડ ખાતેથી પ્રારંભ કરાવશે.
ઉક્ત તમામ યોજનાઓમાં ૩ નવીન જુથ યોજનાઓ અંતર્ગત ૪૨૭ કીમી પાઇપલાઇન, ૧૧૨ ગ્રામ્ય કક્ષાના સમ્પ તેમજ ૬૦ ઊંચી ટાંકીઓ બનાવવામાં આવશે.