Wednesday, 24/12/2025
Dark Mode

દાહોદ કસ્બા પટણી ચોકમાં ધોળા દિવસે ફાયરિંગ બાદ નવો વળાંક:બન્ને પક્ષોની સામસામે ફરિયાદ, એક આરોપીના ૩ દિવસના રિમાન્ડ.

December 25, 2025
        39
દાહોદ કસ્બા પટણી ચોકમાં ધોળા દિવસે ફાયરિંગ બાદ નવો વળાંક:બન્ને પક્ષોની સામસામે ફરિયાદ, એક આરોપીના ૩ દિવસના રિમાન્ડ.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ કસ્બા પટણી ચોકમાં ધોળા દિવસે ફાયરિંગ બાદ નવો વળાંક:બન્ને પક્ષોની સામસામે ફરિયાદ, એક આરોપીના ૩ દિવસના રિમાન્ડ.

દાહોદ તા.૨૪

દાહોદ શહેરમાં કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગઈકાલે જુના ઝઘડામાં સમાધાનની દાઝમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી.જેમાં બીજા દિવસે સામા પક્ષેથી પણ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.આ ફાયરિંગમાં ઈજા પામનાર સહિત ત્રણ ઈસમોએ ઝઘડાની અદાવત રાખી બેફામ ગાળો બોલી પથ્થરમારો કર્યો હોવાના ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યા છે.આ ઘટનામાં ગઈકાલે નોંધાયેલ પ્રથમ ફરિયાદમાં સામેલ બે આરોપીઓ પૈકી એકને પોલીસે ઝડપી પાડી તેને આજરોજ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટ દ્વારા ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે પોલીસે અન્ય ફરાર આરોપીઓના પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

દાહોદ શહેરના લઘુમતી વિસ્તાર અને 24 કલાક ધમધમતા એવા હાર્દ સમાન કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગતરોજ જુના ઝઘડાની અદાવતમાં બે સગાભાઈઓએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યાના બનાવને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.જેમાં આરોપી એજાઝ ઇનામખાન પઠાણ અને ઈરસાદ ઇનામખાન પઠાણ પૈકી ઈરસાદ પઠાણની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેને આજરોજ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે બીજી તરફ આ ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. હવે સામા પક્ષેથી પણ પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.જેમાં સામાપક્ષેથી દાહોદ કસ્બા પટણી ચોક વિસ્તાર ખાતે રહેતા એજાઝખાન ઇનાયતખાન પઠાણ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દાહોદ શહેરના જુના વણકરવાસ અને હુસેની હોલ ની પાછળ રસ્તા રિયાજ યુસુફ મેવાતી, અર્થ સલીમ મેવાતી અને નવરોજખાન મહેમુદખાન પઠાણનાઓએ એજાઝખાન પઠાણ સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી એજાઝખાન પઠાણ તથા તેમની સાથેના માણસો સાથે ગતરોજ ઝઘડો તકરાર કર્યો હતો અને બેફામ ગાળો બોલી પથ્થર મારો કર્યો હતો. અને મારી નાખવાની ધમકીઓ આપી કહેલ કે, આજે તો તમો બચી ગયા છો, હવે પછી મળશો તમારા ટાંટિયા ભાંગી નાખીશું, તેવી ધાક ધમકીઓ આપી હતી.

આમ, કસ્બા પટણી ચોક વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલા તમામ આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!