ઈરફાન મકરાણી :- દેવગઢબારિયા
દેવગઢ બારીઆમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો | ઈક્કો ગાડીમાંથી ₹4.53 લાખનો મુદ્દામાલ કબજે.
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામેથી પોલીસે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપીયા ૨,૫૩,૨૦૦ના પ્રોહી જથ્થા સાથે ઈક્કો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૪,૫૩,૨૦૦નો જથ્થો કબજે કર્યાનું જ્યારે ફોર વ્હીલર ગાડીના ચાલક સહિત બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
ગત તા.૨૩મી ડિસેમ્બરના રોજ દેવગઢ બારીઆના સાગટાળા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર જી.બી.પરમાર તથા તેમની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના પાંચીયાસાળ ગામે ફોરેસ્ટ ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ઈક્કો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ઈક્કો ફોર વ્હીલર ગાડી નજીક આવતાં પોલીસે તેને દુરથી ઉભા રહેવા માટે ઈશારો કરતાં ઈક્કો ફોર વ્હીલર ગાડીમાં સવાર રાજેન્દ્રભાઈ કલસીંગભાઈ બારીઆ (રહે.ભુતપગલા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને તેની સાથેનો ઈન્દુભાઈ પુનીયાભાઈ તોમર (રહે.મધ્યપ્રદેશ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ઈક્કો ફોર વ્હિલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૧૨૦૦ કિંમત રૂપીયા ૨,૫૩, ૨૦૦ના પ્રોહી જથ્થા સાથે પોલીસે ઈક્કો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂપીયા ૪,૫૩,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.