ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિકોમાં રોષ, મુક્તિનો મુદ્દો ફરી ચર્ચામાં
લોકલ વાહન ચાલકો પાસેથી જબરદસ્તી વસૂલાત ટોલ ટેક્સ
દાહોદ તા. ૩
ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વરોડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સની ફરજિયાત વસૂલાત ફરી વિવાદનું કેન્દ્ર બની છે. અગાઉ સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ મળતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી માસિક પાસ કઢાવવા દબાણ અને ટેક્સ વસૂલવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
ટોલ પ્લાઝા પર કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે રોજિંદા તુ-તુ મેં ના દ્રશ્યો સર્જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, લોકલ પ્રૂફ હોવા છતાં ફાસ્ટેગમાંથી રૂપિયા કપાય છે અને માસિક પાસ લેવા દબાણ કરવામાં આવે છે. ઘણીવાર ઉતાવળમાં હોવાથી વાહનચાલકો ઝઘડામાં પડવાને બદલે ટેક્સ ચૂકવી આગળ વધવા મજબૂર બને છે, જેનાથી અસંતોષ વધુ ઘેરો બને છે.
વરોડ ટોલ નાકું ઘણા વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિકોનો મુખ્ય સવાલ છે કે, જે સુવિધા વર્ષોથી લોકલ વાહનોને મફત મળતી હતી, તે અચાનક ચાર્જ સાથે કેમ શરૂ કરવામાં આવી? ઝાલોદ-લીમડી વિસ્તારના હજારો નાગરિકો રોજિંદા આ ટોલનો ઉપયોગ કરે છે અને કાયમી ટોલ મુક્તિની માંગ કરી રહ્યા છે.
આ મુદ્દે રાજકીય નેતાઓ અને આગેવાનોની મૌન ભૂમિકા પર પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્થાનિક જનતા ન્યાયની માંગ કરી રહી છે, પરંતુ કોઈ રાજકીય ટીમ દ્વારા આ મુદ્દે આગેવાની લેવામાં આવી નથી. ટોલ મેનેજમેન્ટ કે ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ જનહિતમાં કોઈ નિર્ણય લેવાયો નથી, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
સ્થાનિક વાહનચાલકોની નજર હવે જવાબની રાહ જોઈ રહી છે. આ સમસ્યા માત્ર ટેક્સ વસૂલાતની નહીં, પરંતુ સ્થાનિક અધિકાર, ન્યાય અને વ્યવસ્થાની છે. પ્રશાસન, ટોલ મેનેજમેન્ટ અને રાજકીય આગેવાનો આ મુદ્દાને ગંભીરતાથી લઈ જનહિતમાં સમાધાન લાવે અને ટોલ વ્યવસ્થામાં પારદર્શિતા લાવે તેવી માંગ ઉઠી છે.