રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને એકતા દિવસ અને બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી અન્વયે બેઠક યોજાઈ*
*રાજ્યભરમાં યોજાનાર ‘ યુનિટી માર્ચ’ પદયાત્રાનો જૂનાગઢ ખાતેથી થશે શુભારંભ*
*પદયાત્રા રૂટ તેમજ યોજાનાર વિવિધ કાર્યક્રમ અંગેના આયોજન અંગે ચર્ચા કરાઈ*
દાહોદ તા. ૧
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં દાહોદમાં યોજાનાર ‘એકતા માર્ચ’ તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓએ પદયાત્રા રૂટ તેમજ યોજાનાર વિવિધ કાર્યક્રમ અંગેના આયોજન અંગે ચર્ચા કરી હતી.

કલેકટરશ્રી દ્વારા પદયાત્રા કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે લોકોના આવા-ગમન, ટ્રાફિક નિયમન, સ્ટેજ વ્યવસ્થા, સફાઈ સહિતની જરૂરી પ્રાથમિક વ્યવસ્થાઓ સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતના સ્વતંત્રતા ઇતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકા રહી હતી. સરદાર પટેલના દ્રઢ નેતૃત્વ, કુટનીતિક કૌશલ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા આજે પણ પેઢીઓને પ્રેરિત કરે છે, આ યુનિટી માર્ચ પદયાત્રા તેમની અમર વિરાસતને સમર્પિત છે. એ સાથે ભગવાન બિરસા મુંડા પણ આદિવાસી નેતા તરીકે આદિવાસીઓના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના આઝાદી માટેના કાર્યો અને બલિદાન માટે આદિવાસીઓ તેમની પૂજા કરે છે.

ભગવાન બિરસા મુંડાની પણ ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી કરવાની થતી હોઈ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી માટેની રથયાત્રા માટેના સુચારુ આયોજન માટે કલેકટર શ્રીએ સૌ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓએ આપસી સંકલન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાના છે એમ જણાવ્યું હતું. વિવિધ કાર્યક્રમો તેમજ સ્પર્ધાઓ યોજીને સાથોસાથ સેવાસેતુ જેવા જનકલ્યાણના કાર્યક્રમો યોજીને લોકોને લાભ પણ મળી રહે તેવું આયોજન કરવા માટેની વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપ્યું હતું.

રાષ્ટ્ર્રનિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ બલિદાનને જન-જન સુધી પહોંચાડવા હેતુ રાજ્ય સરકાર દ્વારા તારીખ ૦૧/૧૧/૨૦૨૫ થી ૧૫/૧૧/૨૦૨૫ સુધી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી તેમજ જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠજ અન્વયે નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારીશ્રી, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યઅલ માધ્યમ થકી મામલતદારશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.