ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર દિવાળી પર્વ પર વર્ષો જૂની મેરાયુ કાઢવા ની પરંપરા આજે પણ જીવંત…..
સંતરામપુર તા. ૨૧
પ્રકાશના પર્વ દિવાળી પર અનેક પરંપરાઓ ઉજવાય છે સંતરામપુર નગરમાં દિવાળીના પાવન અવસરે વર્ષો જૂની ‘મેર મેરાયું’ કાઢવાની પરંપરા આજે પણ જીવંત છે. આ પ્રથા અંતર્ગત યુવાનો, વડીલો, બાળકો અને દીકરીઓ હાથમાં મેરાયું લઈને શેરીઓમાં નીકળે છે.
ઘરમાંથી અનિષ્ટ તત્ત્વો અને અંધારું દૂર થાય તે માટે આ પરંપરા પાળવામાં આવે છે. મહિલાઓ વરખડીના વૃક્ષની ત્રણ પાંખિયાવાળી ડાળીઓ લાવી, તેના પર કપડાં કે રૂની દિવેટ બનાવી માટીનો લેપ કરી ‘મેરૈયું’ તૈયાર કરે છે. કેટલાક લોકો માટીમાંથી પણ મેરાયું બનાવે છે.
દિવાળીની રાત્રે આ મેરૈયું પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને મહોલ્લાની બહાર અથવા શેરીના અંતે આવેલા ઝાંપે મૂકવામાં આવે છે. આ દરમિયાન “આજ દિવાળી કાલ દિવાળી…. હનુમાનજીએ લંકા બાળી….. મેર મેરાયું….” જેવા નાદથી શેરીઓ ગુંજી ઉઠે છે.
હાથમાં પાતળી લાકડીમાં પરણાયું પોરવીને બનાવેલી અથવા માટીમાંથી બનાવેલું મેરાયું લઈને લોકો પોતાની શેરી-સોસાયટીમાં ઘરે ઘરે તેલ લેવા જાય છે. આ મસાલ સમું મેરાયું લઈને તેઓ શેરી અથવા ફળિયાના અંતે ઝાંપે જઈ તેને મૂકી આવે છે.
આ વર્ષો જૂની પરંપરા આજે પણ લુણાવાડા સહિત વિવિધ વિસ્તારોમાં જળવાયેલી જોવા મળી હતી. લોકોએ આનંદ અને ઉલ્લાસભેર મેરૈયા કાઢીને દિવાળીના દિવસની ઉજવણી કરી હતી. જોકે, બદલાતા સમય સાથે આ પરંપરામાં પણ થોડો બદલાવ આવ્યો છે.
અગાઉ વરખડીના વૃક્ષની ડાળીઓથી ઘરે મેર મેરૈયા તૈયાર કરવામાં આવતા હતા. પરંતુ હવે બજારમાં તૈયાર મેર મેરૈયા સરળતાથી ઉપલબ્ધ છે. તેમ છતાં, તહેવારોના રીતરિવાજો અને તેની સાથે જોડાયેલી દંતકથાઓ આજે પણ યથાવત્ છે.