
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં જાહેર માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ*
*સુખસર પંથકમાં નાના મોટા રસ્તાઓ ઉપર બેફામ દોડાવાતા વાહનોથી નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે*
સુખસર,તા.14
ફતેપુરા તાલુકામાં કેટલાક ટુ ફોર વ્હીલર વાહન ચાલકો બેફામ બની પોતાના કબજાના વાહનોને હંકારી રહ્યા છે.અને તેઓને વાહન ચલાવવા ના નીતિ નિયમો લાગુ પડતા ન હોય તેમ ગમે તે જાહેર જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરવા તેમજ નાના મોટા રસ્તાઓ ઉપર પોતાના કબજાના વાહનને બેફામ દોડાવી પોતાની તો ઠીક પરંતુ સામેવાળા વ્યક્તિની પણ પરવા કર્યા વગર વાહનો દોડાવતા નિર્દોષ લોકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.અને સમયાંતરે કોઈક કુટુંબના લાડકવાયા દીકરા,દીકરી,પિતા,પતિ અકાળે મોતને ભેટી રહ્યા છે.ત્યારે ફતેપુરા તાલુકામાં બેફિકરાઇથી વાહનો હંકારતા વાહન ચાલકો સામે કોઈપણ પ્રકારની શેહશરમમાં આવ્યા વિના પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા નિષ્પક્ષપણે કાયદાકીય કાર્યવાહી કરી પંથકમાં દિન-પ્રતિદિન વધતા જતા અકસ્માતો ઉપર અંકુશ લાવવો અત્યંત જરૂરી જણાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ટુ,ફોર વ્હીલર વાહન ચાલકો વાહન ચલાવવાના નીતિ નિયમોની ઐસીતૈસી કરી પોતાના વાહનોને નિરંકુશ પણે દોડાવી જવાબદાર તંત્રોને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. પછી તે સુખસર,ફતેપુરા હોય કે તાલુકાના અન્ય ગામડાઓ કે જ્યાં જાણે વાહન ચલાવવાના નીતિ નિયમો માંથી મુક્તિ આપવામાં આવી હોય તેમ કોઈપણ જાહેર જગ્યાએ પોતાના કબજાના પાર્ક કરી અથવા દોડાવી રહ્યા છે.તેવી જ રીતે સુખસરમાં જોઈએ તો બસ સ્ટેશન આસપાસમાં દિવસે અનેક ટુ,ફોર વ્હીલર વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.જેના લીધે આવતી જતી એસ.ટી બસોને રોડ ઉપર ઉભા રહી પેસેન્જરને ઉતારવા ચડાવવા પડતા હોય છે.જોકે બસ સ્ટેશન પાસે ખાનગી પેસેન્જર વાહનો તથા ટુ-વ્હિલર વાહનો પાર્ક કરી દેવાતા એસ.ટી બસની રાહ જોતા મુસાફરોને આ વાહનોની વચ્ચે અથવા રોડ ઉપર ઉભા રહી વાહનની રાહ જોવા મજબૂર બનવું પડે છે.આ બાબતે અગાઉ અનેકવાર જાહેર રજૂઆતો થવા છતાં સુખસરના બસ સ્ટેશન ઉપર જે વાહનો પાર્ક કરવામાં આવે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવું આ લખનારના ધ્યાનમાં નથી. જો સુખસરના બસ સ્ટેશન ઉપર રોડની બંને સાઇડોમાં દિવસ દરમ્યાન ખાનગી વાહનોનો જમાવડો જોવા મળે છે.ક્યારેક સુખસર બસ સ્ટેશન પાસેથી પસાર થતા કોઈ વાહનમાં ખામી સર્જાય તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,સુખસર ગામમાં કોઈપણ જગ્યાએ ટુવ્હિલર ફોર વાહનો પાર્ક કરી દેવામાં આવતા અન્ય વાહન ચાલકો તથા રાહદારી લોકોને અવર-જવર કરવામાં પણ મોટી મુશ્કેલી ઉભી થાય છે.ત્યારે ગામમાં પણ જે જાહેર જગ્યાએ પાર્ક કરવામાં આવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સુખસર સહિત ફતેપુરા ગામમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ હલ થઈ શકે તેમ છે.તેમજ વાહન ચાલકોએ પણ જ્યાં ને ત્યાં વાહનો પાર્ક નહીં કરતા વ્યવસ્થિત જગ્યાએ વાહનો પાર્ક કરવા પોતાની ફરજ સમજવી તે પણ જરૂરી છે.