
રાજેશ વસાવે :- દાહોદ
*ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે બેઠક યોજાઈ*
*ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન ૧૫ જુલાઈ સુધી યોજાશે*
દાહોદ તા. ૫
ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજનાલક્ષી વિવિધ વિભાગો દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સરકારશ્રીની અનેકવિધ યોજનાઓના લાભ મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે એ માટે વહીવટી તંત્ર દ્વારા લોકોની પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંગે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોએ કરવાની થતી તેમજ મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમ્યાન સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા જંગલની જમીન ફાળવેલ લાભાર્થીઓની સામાજિક અને આર્થક ઉત્કર્ષ માટેની યોજના હેઠળ આવતી વ્યક્તિગત સિંચાઈ કુવાનો લાભ, પશુ ખરીદી સહાય અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ તમામ તાલુકાઓમાં આયોજન બદ્ધ રીતે શિબિર યોજી પ્રજાકીય કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ સાથે પશુ આરોગ્ય, ખેડૂત નોંધણી, આરોગ્ય તપાસ જેવી વિવિધ લાભો માટે શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ તમામ આદિવાસી બહુલ વિસ્તારોમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આદિવાસી લોકોના વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચે અને તેનો લાભ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે.
દાહોદ જિલ્લાના ૫૧૨ ગામડાઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત દરેક તાલુકામાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. જેથી કરીને તાલુકા લેવલે કામગીરી કરવામાં સરળતા રહે અને વધુમાં વધુ લોકોને એનો લાભ મળી રહે.
આ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી તેમજ અન્ય સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦