
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ટી.ડી.ઓ.સમક્ષ રજૂ કરાઇ*
*આફવા ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ સભ્યો પૈકી આઠ વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા ખળભળાટ*
*છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આફવા ગ્રામ પંચાયતમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવા બાબતે રજૂઆતોની અવગણના થતા સભ્યોએ પગલું ભર્યું*
સુખસર,તા.12
ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયત ખાતે 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં લાખોની ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી અનેક વાર રજૂઆતો કરવા છતાં જવાબદારો દ્વારા કસુરવારોને છાવરવાની કોશિશ થતા આખરે આફવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા 10 પૈકી 8 સભ્યો દ્વારા આજરોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હોવાનું જાણવા મળે છે.
વિગતે જોઈએ તો ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં 10 વોર્ડ આવેલા છે.જેમાં સરપંચ તરીકે શ્રીમતી વળવાઈ સરલાબેન ધનરાજભાઈ નાઓ કાર્યરત છે.જ્યારે ગત એક વર્ષ ઉપરાંતથી આફવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ લબાના હરીશભાઈ નરવરસિંહ ના ઓએ તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી ત્રણ-ત્રણ વાર રજૂઆતો કરી આફવા ગ્રામ પંચાયતના વિકાસ કામો ની તપાસ બાબતે માંગણી કરી હતી. ત્યારબાદ ફતેપુરા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા આફવા ગામમાં 15માં નાણાપંચ દ્વારા કરવામાં આવેલ કામગીરીની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમ્યાન ગ્રામ પંચાયત દ્વારા બતાવવામાં આવેલ કામગીરી સ્થળ ઉપર જોવા મળી ન હતી.જે બાબતે તપાસ અધિકારીએ સ્થળ બેઠા આફવાના નાગરિકોના જવાબો લઈ અરજદારને લેખિત કોપી આપી હતી.ત્યારબાદ આ રિપોર્ટ તાલુકામાં જતા તાલુકા વિકાસ અધિકારી બારીયા દ્વારા મનધડત રિપોર્ટ બનાવી અરજદાર સહિત જિલ્લા કક્ષાએ મોકલી આપ્યો હતો.
ત્યારબાદ અરજદાર દ્વારા દાહોદ કલેકટર ખાતે સ્વાગત કાર્યક્રમમાં અરજી આપી હતી.જે અરજી ટ્રાન્સફર કરી તાલુકા કક્ષાએ મોકલી આપતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારને યોગ્ય ન્યાય મળશેનુ આશ્વાસન આપવામાં આવ્યું હતું.પરંતુ તેના પણ બે માસ થઈ જવા છતાં અરજદારને કોઈ ન્યાય નહીં મળતા આખરે આફવા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા 10 પૈકી 8 સભ્યોએ આજરોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હોવાનું જાણવા મળે છે.
*અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાના કારણો આ મુજબ જણાવ્યા છે*
સરપંચ મહિલા હોય તેમના સસરા વહીવટ અને દખલગીરી કરે છે, કોઈપણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણયો લેવામાં આવે છે,કોઈપણ કામમાં સભ્યો ઉપર વિશ્વાસ રાખતા નથી,ગ્રામ પંચાયતના કામોમાં ખર્ચા કે આવક બતાવતા નથી, વર્ષ 2022 થી વર્ષ 2025 સુધીમાં 15માં નાણાપંચની ગ્રાન્ટના નાણા દ્વારા સ્થળ ઉપર કામગીરી કર્યા વિના બારોબાર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે,તલાટી અને મહિલા સરપંચના સસરાએ મિલીભગતથી નાણાપંચના નાણાંની ગેરરિતીથી નાણાં ઉપાડેલ હોવાના અવિશ્વાસ દરખાસ્ત માં આક્ષેપો કરવામાં આવેલ છે.