
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો સહિત સમર્થકોની ભારે ભીડ જામી*
*22 જૂન 2025 ના રોજ પચાસ ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પાંચ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજનાર છે*
*55 ગ્રામ પંચાયતોમાં 261સરપંચ ના ઉમેદવાર જ્યારે વોર્ડ સભ્યોના 1107 ફોર્મ ભરાયા*
સુખસર,તા.9
ફતેપુરા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂન ના રોજ યોજનારી સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તેમાં ફતેપુરા તાલુકામાં જાહેર થયેલી 50 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પાંચ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજરોજ સરપંચ તથા સભ્ય પદ માટે ઈચ્છુક ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભરવા માટે ફતેપુરા તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં વાજતે ગાજતે આવી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કાર્ય શરૂ કરેલ છે.સરપંચ તથા વોર્ડ સભ્યો દ્વારા ફતેપુરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઢોલ નગારા અને નારા સાથે ઉપસ્થિત રહ્યા હતા.અને વિશ્વાસ ભર્યા માહોલ વચ્ચે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાનું ફોર્મ દાખલ કરી જીતની આશા વ્યક્ત કરી હતી.ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ હોય તેથી ફોર્મ ભરાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેમાં ફતેપુરા તાલુકાની 55 ગ્રામ પંચાયતોમાં સરપંચ તરીકે 261ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે વોર્ડ સભ્યો માટે 1107સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.જે પૈકી કેટલીક ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના કેટલાક વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાઈ જવાના સંકેત પણ જણાઈ આવ્યા હતા. જ્યારે ફતેપુરા તાલુકાની એક સલીયાટા ગ્રામ પંચાયત સમરસ થઈ હોવા હોવાના અહેવાલ મળી રહ્યા છે.