
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનતા વહીવટી તંત્રો સહિત તકવાદી તત્વો સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ*
*ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતો,એન.આર.જી યોજના, તાલુકા-જિલ્લા પંચાયત સભ્ય,આંગણવાડી કેન્દ્ર, ધારાસભ્ય-સાંસદ સભ્ય સહિત આવતી અન્ય ગ્રાન્ટોની તપાસ કરવામાં આવેતો બારીયા તાલુકાના કૌભાંડનું કદ ખૂબજ ટૂંકુ પડે તેવી શક્યતા..!*
સુખસર,તા.26
દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો જિલ્લામાં તમામ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.જેમાં પછી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઈસમોને કાયદાની નીડરતા હોય,ગ્રામ પંચાયતથી લઈ કેન્દ્ર સુધીની ગરીબ જનતા માટે ફાળવવામાં આવતા નાણાંનું કૌભાંડ કરવાનું આસાન કેન્દ્રસ્થાન હોય,સરકારી કર્મચારીઓ સરકારના નિયમ મુજબ કામગીરી નહીં કરતા જે-તે સ્થાનિક જવાબદારો સામે વાંધો ઉઠાવવા અને અંગત પ્રસિદ્ધિ મેળવવા સરકારના માથે માછલા ધોઈ ખુશ થઈ સંતોષ માનતા કેટલાક માહેર લોકો હોય કે મહેનત મજૂરી કરી ઈમાનદારીથી રોજીરોટી કમાવાની આવડત ધરાવતા ઈમાનદાર લોકો આમ તમામ પ્રકારની પ્રજા ફતેપુરા તાલુકામાં વસવાટ કરી રહી છે.છતાં ફતેપુરા તાલુકો વિકસિત હોવાના ગાણાં ગાવામાં આવી રહ્યા છે.આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ હકીકત છે તેમાં કોઈ બે મત નથી.
રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જિલ્લાને ટ્રાઇબલ વિસ્તારમાં સમાવેશ કરી પ્રજાની સુખાકારી માટે વિવિધ ગ્રાન્ટોના નાણા દ્વારા જિલ્લાનો ભૌગોલિક તથા સામાજિક વિકાસ થાય તે હેતુથી વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.તેમ છતાં આઝાદીના આઠ દાયકાએ પહોંચેલા દાહોદ જિલ્લાનો વિકાસ નહીં થતાં વિકાસશીલ જિલ્લા તરીકે ઓળખાય છે.તે જિલ્લાની જનતાની કમનસીબી છે.અને તેજ સ્થિતિ ફતેપુરા તાલુકાની પણ છે.જેમાં વિગતે જોઈએ તો તાલુકામાં દર વર્ષે વિકાસ કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવે છે.પરંતુ કેટલીક પંચાયતોને બાદ કરતા મોટાભાગના ગ્રામ પંચાયત સત્તાધીશો અને તાલુકા- જિલ્લાના જવાબદારોના મેળાપીપણામાં જેટલો વિકાસ કામો પાછળ નાણાંનો ઉપયોગ થાય છે તેના કરતાં વધુ નાણાંનો દૂર ઉપયોગ થતો હોવાનું તાલુકાના વિકાસ તરફ જોતા પ્રત્યક્ષ ઉડીને આંખે વળગે છે.જો કે ફતેપુરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો એ કરેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં તાલુકા-જિલ્લા કક્ષાએથી લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે.તેમ છતાં ગેરરીતિ આચરતા તત્વો સામે તાલુકા-જિલ્લાના અધિકારીઓ કે સ્થાનિક જવાબદારો સામે દાખલો બેસી શકે તેવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના લીધે ગેરરીતિ આચરતા તત્વો નીડરતાથી પોતાનો કસબ અજમાવવા પાછી પાની કરતા નથી.
ફતેપુરા તાલુકામાં એન.આર.જી યોજના હેઠળ યોજના ચાલુ થયા બાદ કરોડો રૂપિયાની કામગીરી સરકારમાં બતાવાઇ રહી છે.પરંતુ જે કાગળ ઉપર બતાવવામાં આવેલ કામગીરી સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવા તાલુકા-જિલ્લા તંત્રો પાસે નવરાશ નહીં હોય તેવું પણ જણાય છે.જોકે તાલુકામાં મોટાભાગની એન.આર.જી યોજના હેઠળ બતાવવામાં આવતી પચાસ ટકા કામગીરી સ્થળ ઉપર કદાચ જોવા મળે!પરંતુ એન.આર.જી યોજના હેઠળ જે ગરીબ ખેડૂત લાભાર્થીઓએ નિયમો અનુસાર કામગીરી પૂર્ણ કરી હોય તેવા તાલુકાના અનેક ગરીબ લોકોના સાર્વજનિક કુવા તેમજ અન્ય કામગીરી ઉછીપાછી વ્યાજ વટાવથી નાણાં લાવી કામગીરી પૂર્ણ કર્યા બાદ તેવી કામગીરી ઉપર સી.સી મારી સાચા લાભાર્થીઓને કરોડો રૂપિયાનું ચુકવણું નહીં કરી અન્યાય કરવામાં આવેલ છે.
તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં એન.આર.જી યોજના હેઠળ કરવામાં આવેલ કામગીરીની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવેતો મહાકૌભાંડ પ્રકાશમાં આવી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ત્યારે ફતેપુરા તાલુકામાં એન.આર.જી યોજનાની કામગીરીની તપાસ થાય તો હાલ બારીયા તાલુકામાં પ્રકાશમાં આવેલ એન.આર.જી કથિત કૌભાંડનો પનો ટૂંકો પડે તેમ છે.જોકે બારીયા તાલુકામાં રાજકીય વ્યક્તિના પુત્રોએ કૌભાંડ કર્યું હશે.પરંતુ ફતેપુરા તાલુકામાં તાલુકા તંત્રના મળતીયા તકવાદી લોકોનો વધુ ફાળો હશે તેમ પણ જણાઈ રહ્યું છે.
ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોને વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં કેટલાક તાલુકા-જિલ્લા સભ્યો ઈમાનદારીથી પોતાના વિસ્તારમાં વિકાસ કામો કરી રહ્યા છે.પરંતુ અનેક તાલુકા-જિલ્લા સભ્યો પોતાના વિસ્તારમાં આવતી પ્રજાથી વિમુખ રહી માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી આ ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરી રહ્યા હોવાની ચર્ચા પણ તાલુકામાં લાંબા સમયથી સાંભળવા મળી રહી છે.ત્યારે તાલુકા-જિલ્લા પંચાયત સભ્યોને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તેમજ તેના દ્વારા પોતાના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલ વિકાસ કામોની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કેટલા નાણાનો પ્રજા હિતમાં ઉપયોગ કરવામાં આવ્યો?અને કેટલા સભ્યોએ ઓન પેપર કામગીરી બતાવી નાણા ઓહિયા કર્યા?અને ગેરરીતી આચરી સરકારી નાણાંનો દૂર ઉપયોગ કરવામાં તાલુકા-જિલ્લા સભ્યો સાથે ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના કયા- કયા જવાબદાર કર્મચારીઓની સામેલગીરી છે?તે પ્રકાશમાં આવી શકે તેમ છે.
ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તથા દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્યને પોતાના મત વિસ્તારોના ભૌગોલિક વિકાસ અર્થે સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે.અને તે નાણાથી તાલુકા-જિલ્લાઓ ની પ્રજાને પ્રજાલક્ષી સુવિધાઓમાં સુધારો આવે છે.રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ધારાસભ્ય તથા સાંસદ સભ્યના માધ્યમથી વિકાસ અર્થે ફાળવવામાં આવતાં નાણા ગ્રામ્ય વિસ્તારોને ધબકતા રાખવા માટે એક પ્રકારે વિકાસના હૃદય સમાન છે.અને આ નાણાં પોતાના મતવિસ્તારોમાં વસવાટ કરતા દરેક વ્યક્તિ માટે ફાળવવામાં આવે છે.પરંતુ દુઃખ એ વાતનું છે કે,ધારાસભ્ય તથા સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી છેવાડાના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી ગ્રાન્ટના નાણાં પહોંચતા નથી.
મોટાભાગે આ નાણાં કહેવાતા અને બની બેઠેલા કેટલાક રાજકારણના આગેવાનો સુધી મર્યાદિત રહી રહ્યા છે.જેના લીધે ભૌગોલિક વિકાસમાં ઉણપ જોવાઈ રહી છે.ત્યારે વિવિધ વિકાસ કામગીરી કરવાના નામે નાણાં મેળવી લેતા ગણ્યાં-ગાંઠ્યા તકવાદી લોકોનો આર્થિક વિકાસ આસાનીથી આગળ વધી રહ્યો છે. અને તેમાં તાલુકા-જિલ્લાના જવાબદાર અધિકારીઓ તકવાદી લોકોને મળી પ્રોત્સાહન આપી નાણાં વેડફાટ કરવા મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. મોટાભાગે જરૂરિયાતમંદ લાભાર્થીઓને ધારાસભ્ય તથા સાંસદ સભ્યની ગ્રાન્ટ ના નાણાનો નિહિ્વત લાભ પહોચી રહ્યો છે.અને ખાસ કરીને ગ્રામ્ય પ્રજા ધારાસભ્ય તથા સાંસદ સભ્યની ગ્રાન્ટ ઉપર મદાર પણ રાખતી નથી અને જાત મહેનત જિંદાબાદની નીતિ અપનાવી મહેનત મજૂરી ની શોધમાં અન્ય જિલ્લાઓમાં હિજરત કરી રહ્યા છે.જેના લીધે તાલુકામાં સરકારના શાસનને સ્થિર રાખવા આડખીલી રૂપ બનતા વહીવટી તંત્રો સહીત તકવાદી તત્વો સામે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી જણાય છે.એ પણ હકીકત છે કે,કોઈપણ પક્ષના મળતીયા અને માનીતા લોકો કે જેઓને થોડા વર્ષો પહેલા સાયકલ પણ નસીબમાં ન હતી તેવા લોકો પચીસ-પચાસ લાખ રૂપિયાની ગાડી ખરીદી ફરતા હોય ત્યારે શું તેમના ખેતરોમાં સોનાનું વાવેતર કરી નાણા ભેગા કર્યા હતા?પ્રજા બધું જ જાણે છે પરંતુ ઉજ્જડ ગામમાં ઢોલ વગાડવાનો કોઈ અર્થ નથી તે પણ સારી રીતે સમજે છે.
ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના ઘટક એક તથા ઘટક બે આવેલા છે.જેમાં સરકાર દ્વારા જ્યારથી બાળક માતાના ઉદરમાં આકાર લે ત્યારથી જે-તે માતાને સ્વસ્થ બાળ જન્મ થાય તે હેતુથી સરકાર દ્વારા લાભો આપવાના ચાલુ કરવામાં આવે છે.પરંતુ આ લાભો સગર્ભા માતાઓ સુધી સમયસર અથવા તો નિયમો અનુસાર પહોંચતા ન હોય કુપોષિત બાળકનો જન્મ થાય છે.અને તે બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકને 14 દિવસ સારવાર અને પૌષ્ટિક આહાર આપી સુપોષિત કરવામાં આવે છે.જ્યારે બાળક આંગણવાડી કેન્દ્રમાં જાય છે ત્યાં બાળકને અઠવાડિયાના અલગ-અલગ દિવસે મેનુ પ્રમાણે ભોજન આપવાનું હોય છે.પરંતુ તાલુકાની મોટાભાગની આંગણવાડી કેન્દ્રમાં આ નિયમ જળવાતો નથી.તેમજ આંગણવાડી કેન્દ્રના રજીસ્ટરમાં જે બાળકોની સંખ્યા બતાવવામાં આવે છે તે પણ સાચી હોતી નથી.તેમજ કેટલીક આંગણવાડી કેન્દ્રમાં બાળકોને ગરમ નાસ્તો તથા ફળફળાદી આપવાની જગ્યાએ બોગસ બીલો લાવી સરકારી નાણા ચાંઉ કરવા માટે જવાબદારો દ્વારા ભાગબટાઇ કરવામાં આવતી હોવાની અને કેટલીક આંગણવાડી કેન્દ્રના દિવસો સુધી તાળા પણ ખુલતા નહીં હોવાની ફરિયાદો ઉઠતી આવેલ છે.ફતેપુરા તાલુકામાં સંચાલિત તમામ સરકારી આંગણવાડી કેન્દ્રની તટસ્થ અને નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે તો તાલુકામાં અગાઉ પ્રકાશમાં આવી ચૂકેલ કૌભાંડોમાં એક થી ત્રણ નંબર આંગણવાડી કેન્દ્રોની ગેરરીતિને આસાનીથી મળી શકે તેમ પણ જણાઈ રહ્યું છે.
આમ,ફતેપુરા તાલુકામાં સરકારની કોઈપણ પ્રજાલક્ષી બાબતમાં સરકારના નિયમો મુજબ સંચાલન થતું હોય તેવું ક્યાંય જોવા મળતું નથી.અને તાલુકાના જવાબદારો દ્વારા મનસ્વી પણે વહીવટ ચલાવાતા પ્રજા સરકારના શાસનથી વિમુખ જઈ રહી હોય તેવું વાતાવરણ દિન-પ્રતિ દિન સર્જાઇ રહ્યું છે.ઉપરોક્ત બાબતો કલ્પના કે આક્ષેપો નથી પરંતુ સત્ય હકીકત છુપાયેલી છે.જો ઉપરોક્ત બાબતોની તપાસ કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ઉથલ-પાથલ સર્જાઈ શકે તેમાં કોઈ બે મત નથી.