
#DahodLive
દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર ગોધરામાં સાબરમતી બાદ પશ્ચિમ એક્સપ્રેસ ઉથલાવવાનો ષડયંત્ર.?
ગોધરા નજીક ડાઉન ટ્રેક પર ચાર મીટર લાંબો ભંગારનો ઇલેક્ટ્રીક પોલ પશ્ચિમ એક્સપ્રેસ સાથે અથડાયો:ટ્રેન 20 મિનીટ મોડી પડી..
GRP પોલીસે જાણવાજોગ ફરીયાદ દાખલ કરી:ઘટનાના દસ દિવસ બાદ પણ પોલીસના હાથ ખાલી,
દાહોદ તા.16
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં આવેલા ગોધરા યાર્ડમાં ગત તારીખ 7 મી જાન્યુઆરીના રોજ ટ્રેન નંબર 12925 પશ્ચિમ એક્સપ્રેસના એન્જિનમાં ઇલેક્ટ્રીક પોલ ફસાઈ જતા આ પેસેન્જર ટ્રેનને ગમખ્વાર અકસ્માત નડતા બચી જવા પામ્યો છે.જોકે રેલવે તંત્રએ આ સમગ્ર બનાવને ઢાકપીછોડો કરવા માટે માત્ર જાણવાજોગ ફરિયાદ લખી તપાસ હાથ ધરી છે પરંતુ ઘટનાને દસ દિવસ વિત્યા બાદ પણ પોલીસ કોઈ નક્કર તપાસ સુધી પહોંચી શકી નથી.જેના પગલે આખો મામલો પોલીસ દ્વારા રફદફે કરવા માંગે છે કે શું તેવી ચર્ચા ઊઠવા પામી છે. ત્યારે ગોધરા યાર્ડમાં સાબરમતી એકસપ્રેસ પ્રકરણ બાદ પશ્ચિમ એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું તો નહોતું ને.?
તે બાબતે તપાસ માટે ગંભીરતા દાખવવામાં આવે અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી સમયની માંગ છે ત્યારે સંબંધીતો દ્વારા આ ફક્ત એક અકસ્માત હોવાનું રટણ કરી રહ્યા છે. એટલું જ નહીં ગોધરા મંડળમાં ભંગાર ચોરીની શક્યતાને ધ્યાને લઈ હાલ જીઆરપી પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે અતિ ગંભીર એવી બાબત હાલ સુધી કેમ ઢંકાયેલી રહી છે.?તે પણ તપાસનો વિષય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં આવેલા ગોધરા યાર્ડમાં કિલોમીટર નંબર 470/32-34 પાસે બાંદ્રા થી અમૃતસર તરફ જતી 12925 પશ્ચિમ એક્સપ્રેસ અત્રેથી પસાર થઈ રહી હતી તે સમયે એન્જિનના ધાબા પૈડામાં લોખંડનો પોલ ફસાયો હોવાનું ફૂટ પેટ્રોલિંગમાં નીકળેલા આરપીએફ ને જાણ થતા આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોધરા એડવાન્સ સિગ્નલ પાસે ડાઉન ટ્રેક પર ચાર પાંચ મીટરનો ઈલેક્ટ્રીક પોલ મધ્યમાં મુક્યો હોવાનું સામે આવ્યું હતું જે પોલ એન્જિનના ડાબા પૈડામાં ફસાઈ ગયો હોવાનું જોવા મળ્યો હતો. જેના પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને તાબડતોડ રેલવે સત્તાધીશો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મેન્ટેનન્સ ટીમે ગાર્ડ અને રેલવે અધિકારીઓ ની હાજરીમાં એન્જિનમાં ફસાયેલા ઈલેક્ટ્રીક બોલને બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન પશ્ચિમ એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડી હતી. જે અંગે આરપીએફ દ્વારા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. ગોધરા જીઆરપી પોલીસ દ્વારા સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આ મામલે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
*ઘટનાને 10 દિવસ વીત્યા બાદ પણ પોલીસના હાથ ખાલી.*
આ સમગ્ર ઘટના 7 જાન્યુઆરીના રોજ સાંજના સમયે બની હતી. જેમા બીજા દિવસે આઠ તારીખે જી.આર.પી પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ઘટનાના 10 દિવસ બાદ પણ રેલવે ટ્રેક પર આવી જ પુલ ક્યાંથી આવ્યો. અથવા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ટ્રેન ઉથલાવવા માટે ઈલેક્ટ્રીક પોલને ટ્રેક પર મૂકવામાં આવ્યો હતો. તે અંગેની દિશામાં કોઈ નક્કર કામગીરી સુધી જી.આર.પી પોલીસ પહોંચી શકી નથી.
*પ્રથમ દ્રષ્ટિએ ભંગાર ચોરો દ્વારા થાંભલો મૂકવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે હાલ તપાસ ચાલુ છે :- (પી.આઇ:- નકુલ,GRP પોલીસ સ્ટેશન ગોધરા )*
ગોધરા યાર્ડમાં પશ્ચિમ એક્સપ્રેસના બનાવ સંદર્ભે આઠ તારીખે અમે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે જેમાં રેલવે ટ્રેકના સાઈડમાં એલાઈમેન્ટમાં ઈલેક્ટ્રીક પોલ પડ્યો હતો જેનો એક છેડો પશ્ચિમ એક્સપ્રેસના એન્જિન સાથે અથડાતા આ ઘટના બની હોવાનું પ્રારંભિક તપાસમાં આવ્યું છે. આ વિસ્તારમાં ભંગાર ચોરો દ્વારા ભંગાર ચોરીના પ્રયાસો પણ કરવામાં આવે છે તે MO ના આધારે હાલ તપાસ ચાલુ છે.પ્રથમ દ્રષ્ટિએ ભંગાર ચોરો દ્વારા ઈલેક્ટ્રિક પોલ ચોરીને લઈ જતા હશે.તે સમય કોઈ જોઈ જતા ઈલેક્ટ્રીક પુલ ફેકીને જતા રહ્યા હશે. કેવું હાલ લાગી રહ્યું છે. હાલમાં તપાસ ચાલુ છે.