રાજેશ વસાવે :- દાહોદ
*નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક શ્રી વી.એમ.પારગી સાહેબના અવસાનથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી.*
દાહોદ તા. ૪
નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક, બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી વી.એમ.પારગી (IPS) સાહેબનું અઢી મહિના જેટલી લાંબી બિમારી બાદ 65 વર્ષની વયે આજ રોજ તારીખ 04/01/2025 ના રોજ દુઃખદ અવસાન થવાથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે. સૌ સમાજ જનો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
શ્રી વી.એમ.પારગી (IPS) સર, અધિક રાજ્ય પોલીસ વડા તરીકેના પદ પરથી નિવૃત્ત થયા પછી પણ ખૂબ જ પ્રવૃત રહ્યા હતા. તેઓનું બહોળુ જ્ઞાન, બહોળુ વાંચન, બહોળો અનુભવ, ઉજ્જવળ કારકિર્દી, ઉજ્જવળ કાર્યો, વિરલ અને વિરાટ વ્યક્તિત્વ સમાજના વિદ્યાર્થીઓ, યુવાઓ, વાલીઓ અને સમાજજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળી રહે તે હેતુસર તેઓએ ગાંધીનગર ખાતે આશાવલ સિવિલ સર્વિસીસ એકેડમીની સ્થાપના કરી હતી.દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજ માટે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન, દાહોદ બનાવવા માટેની નિર્માણ સમિતિના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓના માર્ગદર્શન હેઠળ ભવનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતુ. અને તારીખ 17/04/2022 ના રોજ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
તેઓનું પૂરું નામ શ્રી વેચાતભાઈ મોતીભાઈ પારગી છે. તેઓનો જન્મ તારીખ 01/06/1959 ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે થયો હતો. તેઓએ ધોરણ 1 અને 2 પ્રાથમિક શાળા ખેડાપા, ધોરણ 3 થી 7 વરુણા આશ્રમશાળા, ધોરણ 8 થી 12 એમ.વાય. હાઇસ્કુલ દાહોદથી પૂર્ણ કર્યુ હતુ.
B.E. ( electronics and communication) નો અભ્યાસ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદમાં પૂર્ણ કર્યો હતો.
વર્ષ 1983માં તેઓએ નેશનલ ફરટીલાઈઝર્સ લીમીટેડ, નંગલ, પંજાબથી ઈજનેર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1984 થી 1986 સુધી ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રાયબરેલી, ઉત્તરપ્રદેશમાં ઈજનેર તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 1987થી 1988 સુધી ધી ઇન્ડિયન રેલવેઝમાં ટેલીકોમ ઈજનેર તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 1988માં UPSC પરીક્ષા ઉત્તીર્ણ થઇ IPS થયા હતા. મસૂરી, હૈદરાબાદ, પોરબંદર અને જૂનાગઢ ખાતે તાલીમ લીધી હતી. તાલીમ પૂર્ણ કર્યા બાદ આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે લુણાવાડા અને પોરબંદર ખાતે ફરજ બજાવી હતી.
વર્ષ 1992 થી જિલ્લા પોલીસ વડા તરીકે રાજકોટ, વલસાડ અને સુરત જિલ્લામાં ફરજ બજાવી હતી. SRPF ગૃપ 8 ના કમાન્ડન્ટ તરીકે ગોંડલ ખાતે ફરજ બજાવી હતી. ગુજરાતના મહામહીમ રાજ્યપાલના ADC તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 2005 માં DIGP તરીકે પ્રમોશન મળ્યું હતુ. અને એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ તરીકે વડોદરા શહેર અને સુરત શહેર ખાતે ફરજ બજાવી હતી.
વર્ષ 2007 માં ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પ્રમોશન મળ્યુ હતુ. અને જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે સુરત અને આર્મંડ યુનિટ ગાંધીનગર, CEO – Gujarat state Disaster Management Authority, ગાંધીનગર ખાતે ફરજ બજાવી હતી.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બોર્ડર રેંજ, ભુજ ( કચ્છ, પાટણ, બનાસકાંઠા) ખાતે ફરજ બજાવી હતી.
વર્ષ 2015માં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે પ્રમોશન મળ્યું હતુ. સ્પેશ્યલ કમિશ્નર ઑફ પોલીસ, સુરત સિટી, ADGP (reforms), ADGP (enquiry), ADGP (technical services and SCRB, ગુજરાત રાજ્ય) તરીકે ફરજ બજાવી હતી.
વર્ષ 2004 માં તેઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે પોલીસ મેડલ મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું.
વર્ષ 2014માં વિશિષ્ટ સેવા બદલ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિના વરદ હસ્તે રાષ્ટ્રપ્રમુખ પોલીસ મેડલ મેળવવાનું બહુમાન પ્રાપ્ત થયુ હતુ.
તેઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બિરસા મુંડા સમાજ ભવન દાહોદ દ્વારા લગ્ન પ્રસંગોમાં દહેજ, ડીજે, દારૂ નાબુદી અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જયપાલસિંહ મુંડા ખેલ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કારકિર્દી માર્ગદર્શન સેમીનારો યોજવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગો ચલાવવામાં આવ્યા હતા. ભીલ સમાજ પંચની રચના કરવામાં આવી હતી. અલગ અલગ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝને બોલાવીને નોકરી વાંચ્છુ ઉમેદવારો માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. સમાજના વડીલ બુઝુર્ગ સમાજ સેવકોનું આદિવાસી સમાજ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જુદા જુદા વિષય અને ક્ષેત્રોના તજજ્ઞોના વ્યાખ્યાન અને પરિસંવાદ યોજવામાં આવ્યા હતા. સમૂહ લગ્નો યોજવામાં આવ્યા હતા. સામાજિક પ્રસંગોમાં બિન જરૂરી ખર્ચો ઓછો થાય, કુરિવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય,ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની જાગૃતિ ઊભી થાય તે હેતુસર દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના તમામ આદિવાસી વસ્તી ધરાવતા ગામોમાં પ્રચાર રથ ફેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ તેઓના નેતૃત્વમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. તેઓના નિધનથી આદિવાસી સમુદાયે અણમોલ રતન ગુમાવ્યું છે.