બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર પંથકની અનેક ગ્રામ પંચાયતોમાં કથિત ગેરરીતિની રજૂઆતો પ્રત્યે અધિકારીઓના આંખ આડા કાન કેમ?*
*કેટલીક ગ્રામ પંચાયતોમાં સ્થળ ઉપર કામગીરી કર્યા વિના જવાબદારોના મેળાપીપણામાં લાખો રૂપિયા બારોબાર ઉપડી ગયા હોવાના આક્ષેપ*
*અરજદારોની રજૂઆત બાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અરજદાર પાસે ગેરરીતિની સાબિતી માંગતા તેની પૂર્તતા બાદ પણ તપાસ નહીં?*
*તાલુકા-જિલ્લાના જવાબદાર વહીવટી તંત્રો ભ્રષ્ટાચારીઓને છાવરવા તપાસમાં વિલંબ કરતા હોવાનો પ્રજાનો આક્ષેપ*
સુખસર,તા.23
દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો એટલે કોઈપણ સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરવા માટેનું એક કેન્દ્ર બિંદુ અને મોકળું મેદાન સમજી બેઠેલા કેટલાક તકવાદી તત્વો ગેરરીતિ આચરી સ્થાનિક પ્રજાને સરકારના વિવિધ વિકાસ કામોથી દૂર રાખી 18 મી સદી તરફ લઈ જઈ રહેલા તત્વો વિરુદ્ધ જે તે ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવે છે.પરંતુ કથિત ભ્રષ્ટાચારની રજૂઆત બાદ તાલુકા-જિલ્લાના જવાબદારો દ્વારા મહિનાઓ કે વર્ષો બાદ પણ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ નહીં કરી ભ્રષ્ટાચારીઓને છાવરી સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બની રહ્યા હોય તેવી ફતેપુરા તાલુકાની પ્રજામાં પ્રતીતિ થઈ રહી હોવાની ચર્ચા વેગ પકડતી જાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારની કેટલીક ગ્રામ પંચાયતો વિરુદ્ધમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં આવતા નાણા પંચની ગ્રાન્ટ તથા અન્ય યોજનાઓની ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે તાલુકા કક્ષા એથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆતો થઈ ચૂકેલી છે.જેમાં કેટલીક ગ્રામ પંચાયતોની રજૂઆત એક વર્ષ ઉપરાંતના સમયથી અનેકવાર થઈ રહી છે.અને રજૂઆત બાદ તેની તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધીના જવાબદારોને રૂબરૂ સંપર્ક કરી હકીકતથી વાકેફ કરવામાં આવતા તેની તાલુકા-જિલ્લાના અધિકારીઓને તપાસ કરવા જણાવાય છે.તેમ છતાં તાલુકા- જિલ્લાના અધિકારીઓ રાજ્ય કક્ષાના અધિકારીઓના ફરમાનને પણ ધોળીને પી જતા હોવાના દાખલા પણ મોજુદ છે.અને ન્યાય નહીં મળતા કેટલીક ગ્રામ પંચાયત વિરુદ્ધની રજૂઆત કર્તા ઓ નામદાર હાઇકોર્ટના દ્વાર સુધી પહોંચ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમજ હજી કેટલાક રજૂઆત કર્તાઓ નામદાર હાઇકોર્ટમાં જવા તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.
ટૂંકમાં વિગતે જોઈએ તો ફતેપુરા તાલુકાના સુખસર પંથકની સાતથી વધુ ગ્રામ પંચાયતોની વિરુદ્ધમાં નાણાપંચની ગ્રાન્ટ તથા વિવિધ યોજનાઓની ગ્રાન્ટના નાણાં ગ્રામ પંચાયત તથા તાલુકાના જવાબદાર કેટલાક લોકોએ એકબીજાના મેળાપીપણાથી સ્થળ ઉપર કામગીરી કર્યા વિના કાગળ ઉપર કામગીરી બતાવી લાખો રૂપિયા ચાઉ કર્યા હોવા બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવામાં આવેલ છે.જેના અનુસંધાને રાજ્ય કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવવા છતાં જિલ્લા કક્ષાએથી કસૂરવાર લોકો સામે કોઈ કાર્યવાહી કરાતી નહીં હોવાની બુમો ઉઠવા પામેલ છે.કેટલાક કિસ્સાઓમાં જિલ્લા કક્ષાના જવાબદારો જે-તે ગ્રામ પંચાયત વિરુદ્ધમાં રજૂઆત કરનાર રજૂઆત કર્તા પાસે જે-તે સ્થળની લોકેશન સાથે સાબિતી માંગતા તે સાબિતી આપવા છતાં મહિનાઓ બાદ પણ તપાસ નહીં થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જ્યારે એક પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષથી તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળતા હાઇકોર્ટમાં રીટ દાખલ કરેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલીક પંચાયતો તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆતો કર્યા ને મહિનાઓ વિતવા છતાં જિલ્લા કક્ષાના જવાબદારો દ્વારા તપાસ નહીં કરાતા ભ્રષ્ટાચારીઓને છાવરવા સમય પસાર કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.
અત્રે નોંધનીય છે કે,સુખસર વિસ્તારની એક ગ્રામ પંચાયત વિરુદ્ધમાં લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી.જેના અનુસંધાને 20 ડિસેમ્બર-2024 ના રોજ તાલુકા ટીમ સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ તથા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તે ગ્રામ પંચાયતના ગામે તપાસ અર્થે આવ્યા હતા.પરંતુ ત્યાં તપાસ નહીં કરી પરત જતા રહ્યા હતા.ત્યારે તે બાબતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તલાટી પાસે પૂરતા રેકર્ડ હાજર ન હોય તપાસ કરવામાં આવી નથી.અને હવે પછી તપાસ કરાશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો.ત્યારે પ્રશ્ન એ થાય કે તાલુકા અને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા જે-તે ગ્રામ પંચાયતની તપાસ કરવાની હોય તે પહેલા જે-તે ગ્રામ પંચાયતના તલાટી કમ-મંત્રી ને તમામ રેકર્ડ પુરાવા સાથે હાજર રહેવા જણાવતું હોય છે.તેમ છતાં તપાસના સમયે તલાટી કમ-મંત્રી રેકર્ડ વિના હાજર રહી તાલુકા-જિલ્લા કક્ષાના અધિકારીઓને અંધારામાં રાખતા હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારના જવાબદારો દ્વારા તાલુકા-જિલ્લાના જવાબદાર અધિકારીઓને પણ પહોંચી વળતા હોય ત્યારે ગામડાની અભણ,અબુધ પ્રજાને કેવો ન્યાય આપતા હશે તે સમજી શકાય તેવી બાબત સમજવી અઘરી નથી!
અહીંયા જણાવવું જરૂરી છે કે, કેટલીક ગ્રામ પંચાયતોમાં પક્ષા પક્ષીના લીધે વાંધા વિરોધ ઉઠતા હોય છે. ત્યારે જે-તે ગ્રામ પંચાયતની વિરુદ્ધમાં થયેલ રજૂઆતો પ્રત્યે તાલુકા- જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.અગર તપાસમાં રજૂઆત કર્તા ખોટા સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.અગર રજૂઆત કર્તાના આક્ષેપ સાચા પુરવાર થાય અને તેમાં જે પણ ગ્રામ્ય કક્ષાથી જ્યાં સુધી ના જવાબદાર અધિકારી ઓની સંડોવણી જણાય તો તેમની સામે પણ ખાતાકીય તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.અને તો જ ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. અને વહીવટી તંત્રોની પારદર્શકતાના દર્શન પ્રજા કરી શકે.