ઝાલોદના કસ્બા વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યું:સોના ચાંદીના દાગીના મળી 2.59 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો..
ઝાલોદ તા.06
ઝાલોદ નગરના કસ્બામાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મસ્જિદ પાસે આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું નકુચા સાથે તાળું તોડી મકાનમા પ્રવેશ કરી તિજોરી તોડી, રોકડ રુપીયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.59 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમા મસ્જિદ પાસે આવેલા બંધ મકાનને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના મુખ્ય દરવાજાનું નકુચા સાથે તાળું તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા. અને મકાનમાં મુકેલ તિજોરીનું લોક તોડી તિજોરીમા મુકી રાખેલા રૂપિયા 2.50 લાખની કિંમતના સોના- ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા 9000/- મળી કુલ રૂપિયા 2.59 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે આસપાસમાં રહેતા લોકોએ અબ્દુલસાદીક અબ્દુલમુનાફ કાનુગાના મકાનના દરવાજાનું તાળું તથા નકુચો તૂટેલી હાલતમાં જોતા તેઓએ અબ્દુલસાદીક અબ્દુલ મુનાફ કાનુગાનો ફોનથી સંપર્ક કરી તેમના મકાનમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. અને આ સમગ્ર ચોરીની ઘટનાની ઝાલોદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ઝાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી તસ્કરોનુ પગેરુ મેળવવા ડોગ સ્કોડ અને ફિગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈ અબ્દુલસાદીક અબ્દુલ મુનાફ કાનુગાએ નોંધાવેલી ફરિયાદને આધારે ઘરેફોડ ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.