
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં ચોર લોકો સક્રિય થતાં ગ્રામજનોમાં ભયની લાગણી:બે મકાનોના તાળા તૂટ્યા*
*એક મકાનમાંથી ચાંદીની ચેન તથા લકી તેમજ રોકડ રૂપિયા 2000 ની ચોરી,જ્યારે બીજા મકાનમાં આસપાસના લોકો જાગી જતા ચોર લોકો ભાગી છુટ્યા*
સુખસર,તા.13
ફતેપુરા તાલુકાના સુખસરમાં અવાર-નવાર ચોરીના બનાવો બનતા રહે છે.જેમાં થોડા સમયથી ચોર લોકો સક્રિય થઈ ચોરીને અંજામ આપી જતા હોવાના બનાવો બની રહ્યા છે. ત્યારે સુખસરના સ્થાનિક લોકોમાં ભય ઊભો થવા પામેલ છે.તેવી જ રીતે ગતરાત્રિના કોઈ જાણભેદુ તસ્કર લોકોએ પ્રજાપતિ વાસ તથા આઈ.ટી.આઈ ની સામે બંધ મકાનના તાળા તોડી એક મકાનમાંથી ચાંદીના દાગીના તથા રોકડની ચોરી જ્યારે બીજા મકાનુ તાળું તોડતાં આસપાસના લોકો જાગી જતા ચોર લોકો ભાગી છુટ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસરમાં શનિવાર રાત્રીના કોઈ જાણ ભેદુ તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી તથા ચોરીનો પ્રયાસ કરી ગયેલ હોવાનું જાણવા મળે છે.તેમાં સુખસર પ્રજાપતિ વાસમાં આવેલ પ્રભાકરભાઈ પંચાલના મકાનમાં મૂળ મોરવા હડફ તાલુકાના નવાગામના વતની અને હાલ ભાડેથી આ મકાનમાં રહેતા અને ઝાલોદ તાલુકાના વેલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પાંડોર ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ નાઓ પોતે રહેતા ભાડાના મકાનને ગતરોજ પોતાના વતન નવાગામ ઘરે ગયેલા હતા.જેનો ગેરલાભ ઉઠાવી શનિવાર રાત્રીના કોઈ જાણભેદુ તસ્કરોએ મકાનના આગળના ભાગનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. જેની પાડોશી એ જાણ કરતા ધર્મેન્દ્રભાઈએ આવી મકાનમાં તપાસ કરતા તિજોરી તોડી કપડાં લત્તા વિગેરે વેર વિખેર કરી તિજોરીની અંદર રાખેલ ચાંદીની ચેન તથા ચાંદીની લક્કી તેમજ રોકડ રૂપિયા 2,000 ની ચોરી કરી તથા કેટલાક દસ્તાવેજો ની ચોરી કરી ચોર લોકો પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળે છે. જોકે આ મકાનમાં આ ત્રીજી વાર મકાનના તાળા તોડી ચોરીનો બનાવ બન્યો હોવાની ચર્ચા સાંભળવા મળે છે.
જ્યારે બીજી ચોરીનો પ્રયાસ સુખસર આઇ.ટી.આઇ ની સામે રહેતા સતીષકુમાર મધુસુદન વૈરાગી વેલ્ડીંગની દુકાન તથા છુટક વેપાર ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે.તેઓ તથા ઘરના સભ્યો શનિવાર રાત્રિના પોતાના મકાનને તાળાં મારી લુણાવાડા દવાખાનામાં ગયા હતા.જેનો તસ્કર લોકોએ ગેરલાભ ઉઠાવી રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આસપાસ માંથી લોકો જાગી જતાં અને તસ્કરોને પડકારતા ભાગી છુટ્યા હતા.
ઉપરોક્ત ચોરી અને ચોરીના પ્રયાસની સુખસર પોલીસને જાણ થતા તસ્કર લોકોને ઝડપી લેવા રાત્રી દરમિયાન સઘન પેટ્રોલિંગ હાથ ધરી હતી.પરંતુ તસ્કરો ભાગી છૂટવામાં સફળ રહ્યા હોવાનું અને ઉપરોક્ત બંને બાબતે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળે છે.