લીંબડી મહાદેવ મંદિરના શિખર પર અજાણ્યા ઇસમની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર..
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ મહાદેવ મંદિરના શિખર પરથી એક અજાણ્યા વ્યક્તિનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને સ્થળે પહોંચેલ પોલીસે અજાણ્યા વ્યક્તિના વાલીવારસની શોધખોળની સાથે સાથે વ્યક્તિએ આત્મહત્યા કરી હશે પછી કોઈકે તેની હત્યા કરી હશે ? જેવા અનેક સવાલો સાથે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
ઝાલોદના લીમડી નગરમાં મહાદેવ મંદિરની બાજુમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને કામગીરી માટે આવેલા કામદારો દ્વારા મંદિર પર લાઈટો લગાવવા ચઢ્યાં હતાં. ત્યારે મંદિરના શિખર પર લાઈટો લગાવવાની કામગીરી દરમ્યાન એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં નજરે પડતાં કામદારો ચોંકી ઉઠ્યાં હતાં. આ અંગેની જાણ મંદિર પરિસર સહિત આસપાસના લોકોને કરવામાં આવતાં લોકટોળા સ્થળ પર પહોંચી ગયાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા વ્યક્તિના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દઈ તેના વાલીવારસની શોધ હાથ ધરી છે ત્યારે આ અજાણ્યો વ્યક્તિ ક્યાંનો હશે ? અહીં કેવી રીતે આવી પહોંચ્યો હશે ? તેણે આત્મહત્યા કરી હશે કે પછી કોઈકે તેની હત્યા કરી અહીં ફેંકી દેવામાં આવ્યાં હશે ? જેવી અનેક ચર્ચાઓ વચ્ચે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————————