દાહોદના રાછરાડામાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા એક બાળકનું મોત, અન્ય 2 બાળકો ઈજાગ્રસ્ત
દાહોદ તા. 28
દાહોદ જીલ્લાના રાછરડા ગામે કાચા મકાનની દિવાલ આકસ્મિક ધરાશાયી થતા1 બાળકનું મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય 2 બાળકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે રાછરાડા ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. જેમા ઘરમા માતા સાથે 3 બાળકો મીઠી નિદર માણી રહ્યા હતા તે સમય દરમ્યાન મકાનની દીવાલ આકસ્મિક ધરાશાયી થઈ ગઈ હતી, જેમા 3 બાળકો દબાઈ ગયા હતા, જેમા 6 વર્ષીય સાહિલ રોઝનુ દિવાલની માટીમા દબાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.જ્યારે 3 વર્ષીય મીતાંશ રોઝ અને અન્ય એક બાળક ઈજાગ્રસ્ત થયા હતા. જયારે ઘટનામા બાળકની માતાને સામાન્ય ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત બે બાળકો અને માતાને 108 એમ્બ્યુલન્સની મદદથી ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે, ઘટના સંદર્ભે દાહોદ પોલીસ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.