બાબુ સોલન્કી :- સુખસર
*દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કો-ઓર્ડીનેટર ની નિમણૂક કરવામાં આવી*
*દાહોદ જિલ્લામાંથી કો-ઓર્ડીનેટર માટે 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી મેરીટના આધારે ધુળાભાઈ પારગીની પસંદગી કરવામાં આવી*
સુખસર,તા.16
સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે,જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યું છે. ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.હવે મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે કે,યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહીં પરંતુ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે.હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે.જીવનમાં સારું સ્વાસ્થ્ય,સફળતા અને સંપૂર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ હોવાનું માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 33 જિલ્લામાં જિલ્લા કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી છે.જેમાં ફતેપુરા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી તાલુકા યોગ કોચ તરીકે જવાબદારી સંભાળતા ધુળાભાઈ પારગીએ ખૂબ જ સારી કામગીરી કરવા બદલ દાહોદ જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ધુળાભાઈ પારગી છેલ્લા પાંચ વર્ષથી ફતેપુરા તાલુકામાં યોગ કોચ તરીકે જવાબદારી સંભાળતા હતા. જેઓ દ્વારા 372 યોગ ટ્રેનર ભાઈ બહેનોને તૈયાર કરવામાં આવ્યા હતા. જેમની આ સરાહનીય કામગીરી ધ્યાને રાખી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમણૂક આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.જેમાં દાહોદ જિલ્લા યોગ કોચ તરીકે નિમણૂક મેળવવા 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને તેઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં મેરીટ લીસ્ટના આધારે ફતેપુરા તાલુકાના ભીતોડી ગામના વતની ધુળાભાઈ પારગીની દાહોદ જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધુળાભાઈ પારગી એ જણાવ્યું હતું કે, “કરો યોગ રહો નિરોગી,ઘર ઘર પે હમ જાયેંગે,સબકો યોગ શિખાયેંગે”
અહીંયા જણાવવું જરૂરી છે કે, યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે.જે થકી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમ બધ્ધ યોગ કોચ બનાવવા અને દરેક યોગ કોચ હેઠળ 100 જેટલા યોગ ટ્રેનો તૈયાર કરવા આ યોગ ટ્રેનરો દ્વારા યોગ વર્ગો તેમજ તેમના વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ કરાવવાની કામગીરી કરવાનો યોગ બોર્ડનો મુખ્ય હોવાનું જાણવા મળે છે.