બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર થી ઘાણીખુટ થઈ ગરાડુ જતા માર્ગ ઉપર વિવિધ પ્રકારે મુશ્કેલીઓ ભોગવતા વાહન ચાલકો*
*ઘાણીખુટથી ગરાડુ જતા માર્ગની બંને સાઈડમાં આસપાસમાં રહેતા લોકો પોતાના પશુઓને બાંધી રાખતા અકસ્માતનો સતાવતો ભય*
*ઘાણીખુટ ક્રોસિંગ ઉપર બેઠો બમ્પ તથા કાળીયા ખાતે મેલડી માતાના મંદિર પાસે તૂટતો જતો માર્ગ જીવલેણ સાબિત થવાના અણસાર*
સુખસર,તા.19
ફતેપુરા તાલુકાના ઘાણીખુટથી ગરાડુ જતા માર્ગ ઉપર વાહનચાલકો વિવિધ પ્રકારે મુશ્કેલીઓ ભોગવતા હોવા બાબતે લાગતા-વળગતા વહીવટી તંત્રોને દૈનિક સમાચાર પત્રોના માધ્યમથી સજાગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં સરી પડેલા વહીવટી તંત્રોની ઉંઘ ઉડતી નથી.સુખસર થી ઘાણીખુટ, કાળિયા થઈ ગરાડુ જતો માર્ગ છેલ્લા બે વર્ષથી ડબલ પટ્ટી વ્યવસ્થિત માર્ગ આવેલો છે.છતાં વહીવટી તંત્રે રસ્તો બનાવી આપ્યા બાદ આ રસ્તા ઉપર વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે તે પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળે વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર થી ઘાણી ખુટ,કાળીયા થઈ ગરાડુ જતો ડબલ પટ્ટી વ્યવસ્થિત માર્ગ આવેલો છે આ રસ્તા ઉપર દિવસે સેકડો નાના-મોટા વાહનો દોડી રહ્યા છે.પરંતુ આ રસ્તા ઉપર ઘાણીખુટ ક્રોસિંગ પાસે બેઠો બમ્પ બનાવવામાં આવેલો છે.અને આ બમ્પ બાબતે બમ્પની કોઈ નિશાની પણ રાખવામાં આવેલ ન હોય કેટલાક વાહનો સ્લીપ થવાના અને તેમાંયે ખાસ કરીને પાછળ બેઠેલ મહિલા મુસાફર ટુ-વ્હીલર વાહન ઉપરથી પડવાના અનેક બનાવો બની ચૂક્યા છે. અને ક્યારેક આ બમ્પના કારણે જાનહાનિ થવાનો ભય પણ સતાવી રહ્યો છે.ત્યારે આ બમ્પની જગ્યાએ બમ્પની નિશાની મૂકવામાં આવે તે જરૂરી છે.
જ્યારે આગળ જતા મોટા બોરીદા,નાના બોરીદા,માનાવાળા બોરીદા તેમજ કાળીયામાં આ રોડની આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકો દ્વારા રસ્તાની બંને સાઈડમાં પોતાના પશુઓ બાંધી રાખતા હોય પશુ અથવા વાહન ચાલકને અકસ્માત થવાનો ભય વધી જવા પામેલ છે.જોકે જે-તે પશુને વાહન દ્વારા ઈજા થતાં તેના માલિક દ્વારા પાંચથી પંદર હજાર રૂપિયા વાહન ચાલક પાસેથી વસુલાત કરવાના અનેક બનાવો બની ચૂકેલા છે. પરંતુ જ્યારે રસ્તાની સાઈડમાં બાંધી રખાતા પશુના કારણે વાહન ચાલકને ઈજા થાય ત્યારે વાહન ચાલકને થયેલ ઇજા માટે કોઈ પશુપાલક જવાબદારી લેવા તૈયાર થતા નથી.ત્યારે આ રસ્તાની સાઈડમાં બાંધી રખાતા પશુઓને પશુપાલકો દ્વારા રસ્તો છોડી અન્ય જગ્યાએ બાંધે તે જરૂરી જણાય છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,કાળીયા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી પસાર થતા રોડ ઉપર નલ સે જલ યોજનાની પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદાણ કરવામાં આવ્યો હતો.જેને માત્ર માટીથી પુરાણ કરી કોન્ટ્રાક્ટર જતો રહ્યો હતો.જેના લીધે હાલ આ રસ્તો વધુને વધુ તૂટતો જઈ રહ્યો છે.અને રસ્તા વચ્ચે પડેલા ખાડાના લીધે વાહન અકસ્માત થવાનો ભય ઉભો થવા પામ્યો છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા નલ સે જળ યોજનાના કોન્ટ્રાક્ટરને સુચના આપી તૂટતા જતા આ રસ્તાને ડામર અથવા આરસીસી કરી રસ્તો સુધારવામાં આવે તે જરૂરી છે.